January 19, 2025

સૈયદપુરામાં ગેરકાયદેસર લારી-ગલ્લાઓ પર તવાઈ, સુરત મહાનગરપાલિકા એક્શનમાં

સુરતઃ સૈયદપુરમાં ગણેશ પંડાલમાં પથ્થરમારા બાદ સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ગેરકાયદેસર લારી-ગલ્લાઓને હટાવવાની કામગીરી કરી હતી.

સૈયદપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગઈકાલની ઘટનાને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ ગેરકાયદેસર દબાણ દૂર કરવા સૈયદપુરા વિસ્તારમાં પહોંચ્યા છે.

સુરત પોલીસ કમિશનરે કહ્યું – કોઈને નહીં છોડીએ
તેમણે જણાવ્યું હતું કે, ‘આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની 6 ટીમ બનાવવામાં આવી છે. જેમાંથી એક ટીમ ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા કામગીરી કરી આરોપીને આઇડેન્ટિફાય કરવાની કામગીરી કરશે. ત્યારબાદ અન્ય ઇસમોને પકડવાની કામગીરી કરવામાં આવશે. આ મામલે 13 ફરિયાદ પોલીસ કંટ્રોલને મળી હતી.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘કેટલીક અફવાઓ પણ આ બાબતે ફેલાઈ હતી. આ અફવાઓમાં લોકો ન આવે અને કોઈ જૂનો વીડિયો કે અફવા ફેલાય તો પોલીસ કન્ટ્રોલ રૂમમાં સંપર્ક કરો. જે બાળકોએ પથ્થરમારો કર્યો હતો તે પોણા એક કિલોમીટર દૂરથી આવ્યા હતા. ગયા વર્ષે પણ આ પ્રકારે વિસર્જનના દિવસે ઘટના બની હતી. તે સમયે પણ બાળકો આ ઘટનામાં ઇન્વોલ્વ હતા.’

તેમણે કહ્યું છે કે, ‘પોલીસ આ બાબતે સતર્ક હતી જ એટલા માટે તત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. અમે આ ઘટનામાં ફરિયાદીને સમજાવ્યા એટલે આ બાબતે ફરિયાદ દાખલ થઈ છે. આ વર્ષે અમે નક્કી કર્યું છે કે, નાના બાળકો હોય તો મોટા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. એટલે જ બાળકો સામે જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ બાળકો 12થી 13 વર્ષના છે. 1 ઓટોમાં ઓટો ડ્રાઈવર સહિત 7 લોકો સવાર હતા. જેમાં 1 ડ્રાઇવર અને 6 જુવેનાઇલ છે.’