January 16, 2025

સુરત મનપાની ઘોર બેદરકારી, મોડી રાતે બે જર્જરીત મકાન ધરાશાયી

અમિત રુપાપરા, સુરતઃ શહેરના મહિધરપુરા સ્થિત ભવાની વડ વિસ્તારમાં વર્ષો જૂનાં જર્જરિત બે મકાનો મોડી રાત્રે ધરાશાયી થઈ તૂટી પડતા સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઘટનામાં માત્ર એક વ્યક્તિને સામાન્ય ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘટનાનાં પગલે વહેલી સવારે સુરત મહાનગરપાલિકાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. જર્જરિત ઇમારત અંગે સ્થાનિક લોકો દ્વારા વારંવાર લેખિતમાં ફરિયાદ કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

સુરતના મહિધરપુરામાં આવેલા ભવાની વડ વિસ્તારમાં હનુમાન શેરીમાં મોડી રાત્રી દરમિયાન વર્ષો જૂના બે જર્જરિત મકાનો એકાએક ધરાશાયી થઈને તૂટી પડતા નાશભાગ મચી ગઈ હતી. મોડી રાત્રે આસપાસના લોકો ઘોર નિદ્રામાં હતા. તે દરમિયાન ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળ સહિત અન્ય એક મકાન ધડાકાભેર સાથે ધરાશાયી થઈ તૂટી પડતા લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. ધડાકા સાથે તૂટી પડેલા જર્જરિત મકાનોનાં પગલે લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. લોકોમાં એક પ્રકારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વહેલી સવારે ઘટનાની જાણ થતા પાલિકા અધિકારીઓનો ટીમ સ્થળ પર દોડી આવી હતી અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અન્ય કોઈ લોકોને ઇજા કે જાનહાનિ ન થાય તે માટે બંને બાજુથી જગ્યા કોર્ડન કરી લેવામાં આવી હતી.

આ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બંને મકાનોના માલિકો વિદેશમાં રહે છે. વર્ષો જૂનું જર્જરિત મકાન હોવાથી પાલિકા તંત્રને અવારનવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરવામાં આવી છે. આજુબાજુના લોકોને પણ જર્જરીત મકાનનાં કારણે જીવનું જોખમ હોવાથી લેખિતમાં ફરિયાદ કરવા છતાં અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે. ફરિયાદની પણ અવગણના કરવામાં આવી છે. પાલિકા અધિકારીઓ દ્વારા જણાવવામાં આવે છે કે, અમારું કામ માત્ર નોટિસ આપવાનું છે નહીં કે જર્જરિત મકાન ઉતારવાનું. આવા ઉડાઉ જવાબ અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે. જો દિવસ દરમિયાન ઘટના બની હોત તો દસથી વધુ લોકો મોતને ભેટ્યા હોત.

મહત્વનું છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી જર્જરીત ઇમારતોને માત્ર નોટિસ પાઠવી સંતોષ માની લે છે. પરંતુ જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે કાર્યવાહીના નામે દેખાડો કરે છે. એક પ્રકારે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવાનું કામ સુરત મહાનગરપાલિકા કરે છે. જો કે, હજી તો ચોમાસાની શરૂઆત છે. ત્યારે શહેરમાં આવી અનેક ર્જજરીત ઇમારતો આવેલી છે. જે ઇમારતોમાં આજે પણ લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. તો પાલિકા જાણે મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે.