સુરત મનપાની ઘોર બેદરકારીએ લીધો બાળકીનો ભોગ, બે બાળકીનો આબાદ બચાવ
અમિત રુપાપરા, સુરતઃ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે એક માસૂમ બાળકીનો ભોગ લેવાયો છે. રમતા બાળકો પર ગટરનું ઢાંકણું પડતાં 5 વર્ષની બાળકીનું મોત થયું છે. જ્યારે અન્ય બે વર્ષની બાળકી સમયસૂચકતા વાપરીને ખસી જતા તેમનો આબાદ બચાવ થયો છે.
સુરત મહાનગરપાલિકાની લાલિયાવાડીની સાથે ગંભીર બેદરકારીની ઘટનાઓ સમયાંતરે સામે આવે છે. ત્યારે ફરી એકવખત આવી ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં પાલિકાની બેદરકારીના કારણે એક પરિવારે દીકરી ગુમાવી છે. ચોમાસું પૂર્ણ થતાં જ ફરી એકવાર પાલિકા દ્વારા ડ્રેનેજ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં રાખવામાં આવ્યાં હતાં. જેથી એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં રમતી બાળકી પર ગટરનું ઢાંકણું પડતાં એક બાળકીનું મોત નીપજ્યું હતું.
આ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારમાં સામે આવી છે. ડિંડોલીના ચેતન નગરમાં પાંચ વર્ષીય બાળકની મોત નીપજ્યું હતું. ચેતન નગરમાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલતા ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતાં. જ્યાં કેટલાક બાળકો રમી રહ્યા હતાં. રમતાં રમતાં એક જ ઘરની બે દીકરીઓ પર આ ગટરનું ઢાંકણું પડ્યું હતું. જેમાં બે વર્ષની દીકરીનો બચાવ થયો અને પાંચ વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા મોત નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતા જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાંથી ડોકટર દ્વારા બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા કહેવામાં આવ્યું હતું. તેથી બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા બાળકીની તપાસ કરીને તેને મૃત જાહેર કરવામાં આવી હતી. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ડીંડોલી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.