સુરત મનપાની સામાન્ય સભામાં હોબાળો, શાસક પક્ષે વિપક્ષને દેશદ્રોહી કહેતા મામલો બીચક્યો

અમિત રુપાપરા, સુરતઃ મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટનામાં મોતને ભેટેલા 26 હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. શાસક અને વિપક્ષી સભ્યો દ્વારા બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકી હુમલાની ઘટનામાં સરકાર દ્વારા કડક પગલાં લેવાની માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. શાસક પક્ષના સભ્યો દ્વારા વિપક્ષી સભ્યોને દેશદ્રોહી કહેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચી ગયો હતો. જેથી શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે રીતસર ઝપાઝપી અને તૂતૂમેમેનાં દૃશ્યો સામે આવ્યા હતા. જ્યાં સિક્યોરિટી સ્ટાફ દ્વારા મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભા જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકી હુમલાની ઘટનાના વિરોધમાં મુલતવી રાખવામાં આવી હતી. સામાન્ય સભા મળે તે પહેલા ઘટનામાં મોતને બેઠેલા 26 મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ સુરત મેયર દક્ષેશ માવાણી દ્વારા ડાયઝ પરથી બે મિનિટનું મૌન પાડવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અન્વયે તમામ શાસકો અને વિપક્ષી સભ્યોએ બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

વિપક્ષના સભ્યોએ જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટનામાં સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માગ કરી હતી. જે દરમિયાન શાસક પક્ષના સભ્યોએ આ વાતનો વાંધો ઉઠાવી સરકાર આ બાબતે અસરકારક કામગીરી કરી રહી હોવાની વાત કરી હતી. આ દરમિયાન શાસક પક્ષના સભ્યો દ્વારા વિપક્ષને દેશદ્રોહી કહેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે આક્ષેપોના પગલે વિપક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ શાસકો અને વિપક્ષના સભ્યો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો.

બંને પક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી અને તૂંતૂંમેંમેં સર્જાઈ હતી. મામલો વધુ ગરમાય તે પહેલા સિક્યુરિટી સ્ટાફ દ્વારા મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. જ્યાં સૌ કોઈ સભ્યો બાદમાં છૂટા પડ્યા હતા. આજની આ સામાન્ય સભામાં જમ્મુ કાશ્મીરની ઘટનાનાં પગલે સૌ કોઈ શાસક અને વિપક્ષી સભ્યો સફેદ પરિધાનમાં હાજર રહ્યા હતા. જો કે, જમ્મુ કાશ્મીરમાં બનેલી આ ગંભીર ઘટના છતાં મૃતકોના મોતનો મલાજો પણ શાસક અને વિપક્ષી સભ્યોએ જાળવ્યો ન હતો. જેના કારણે આ સમગ્ર મુદ્દો ચર્ચાના સ્થાને રહ્યો હતો.