January 7, 2025

સુરતીઓએ ભરેલો કરોડોનો ટેક્સ પાણીમાં! પાલિકાએ બનાવેલા ચાર્જિંગ પોઇન્ટની હાલત બદતર

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યા પર ઈલેક્ટ્રીક વાહનો માટે ઇવી ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. આ ઇલેક્ટ્રોનિક ચાર્જિંગ સ્ટેશન ધુળ ખાઈ રહ્યા છે. કારણકે મોટા ભાગના ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ વાહનો ચાર્જ કરવા માટે થતો જ નથી અને પાલિકાએ ખર્ચેલા લાખો રૂપિયા જાણે પાણીમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

પ્રદૂષણ અટકાવવા માટે ઈલેક્ટ્રીક વાહનો ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે. લોકો ઈલેક્ટ્રીક વાહનો ખરીદે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ પણ બહાર પાડવામાં આવી હતી. ઇલેક્ટ્રીક વાહન ખરીદનારા વ્યક્તિને તમામ પાર્કિંગમાં ફ્રી પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. તો બીજી તરફ વાહનચાલકને ચાર્જિંગની કોઈપણ સમસ્યા ન સતાવે એટલા માટે અલગ અલગ જગ્યા પર ઇવી ચાર્જિંગ સ્ટેશન પણ ઉભા કરવામાં આવ્યા છે.

મહત્વની વાત છે કે, અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા જે 25 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા. તેમાં ટુવ્હિલર ચાર્જિંગ માટેનો કોઈપણ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો. એટલે કે માત્ર આ ચાર્જિંગ સ્ટેશન પર કાર ચાર્જ થઈ શકે તે પ્રકારની સુવિધા આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ 25 ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ 25 ચાર્જિંગ સ્ટેશન ઉપર ટુવિલર અને ફોરવ્હિલર બંને વ્હિકલ ચાર્જ થાય તે પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે.

મહત્વની વાત છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા જે ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવે છે, તેમાંથી મોટાભાગના ચાર્જિંગ સ્ટેશનો વગર ઉપયોગે ધૂળ ખાઈ રહ્યા છે. કેટલાક ચાર્જિંગ સ્ટેશનમાં તો વણઉપયોગી ઘાસ પણ ઊગી નીકળ્યું છે. તો કેટલાક ચાર્જિંગ સ્ટેશન પર વનસ્પતિજન્ય વેલા ચાર્જિંગના મશીન પર ચડી ગયા છે. જાણે આ ચાર્જિંગ સ્ટેશનની દેખરેખ સુરત મહાનગરપાલિકા દ્વારા ન રાખવામાં આવતી હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ઇલેક્ટ્રીક વાહનોને ચાર્જ કરી શકાય તે માટે લાખો રૂપિયાના ખર્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ ચાર્જિંગ સ્ટેશન હાલ કોઈપણ પ્રકારની દેખરેખ વગર ધૂળ ખાઈ રહ્યું છે અને લાખો રૂપિયા જાણે પાણીમાં ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. ચાર્જિંગ સ્ટેશનની આસપાસ બિનઉપયોગી વનસ્પતિ કેટલા પ્રમાણમાં ઊગી નીકળે છે. આ વનસ્પતિના વેલા ચાર્જિંગ સ્ટેશનની ઉપર ચડી ગયા છે અને મુખ્ય પાવર સપ્લાયની પેટી પર પણ વેલાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત ચાર્જિંગ સ્ટેશનની આસપાસ જે બ્લોક ગોઠવવામાં આવ્યા છે, તે બ્લોકની નીચેથી પણ ઘાસ ઉગી નીકળ્યું છે અને સાફ-સફાઈના નામે મીંડું હોય તે પ્રકારના દ્રશ્યો આ ચાર્જિંગ સ્ટેશનની બહાર અને ચાર્જિંગ સ્ટેશનની અંદર જોવા મળ્યા હતા.

સુરત શહેરના લોકો પરસેવાની કમાણીના પૈસાથી મહાનગરપાલિકાનો વેરો આપે છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા લોકોના પરસેવાની કમાણીના લાખો રૂપિયાનો વ્યય કરવામાં આવતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે સુરત શહેરમાં લાખો રૂપિયાના ખર્ચ અલગ અલગ જગ્યા પર તૈયાર થયેલા આ ચાર્જિંગ સ્ટેશનની હાલત જ બતાવે છે કે સુરત મહાનગરપાલિકા લોકોના ટેક્સના પૈસાનો કઈ રીતે ઉપયોગ કરે છે.