November 23, 2024

ભારે વરસાદની આગાહીના પગલે સુરત મનપાએ જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

સુરતઃ શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે સુરતના નિચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થાય તેવા સમયે તાત્કાલિક બચાવ કામગીરી તેમજ સ્થળાંતરની કામગીરી કરી શકાય તે માટે કંટ્રોલ હેલ્પલાઇન નંબર 24 કલાક કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા સતત વરસાદની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહીને લઈને સુરતના અલગ અલગ તાલુકાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળ્યો હતો. તો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું હોવાના કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા વરસાદની તમામ ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત હેલ્પલાઇન નંબર પણ 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યો છે. કોઈ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય તો કઈ રીતે રેસ્ક્યૂ કરી શકાય અને લોકોને ક્યાં સ્થળાંતર કરી શકાય તે તમામ બાબતો પર પણ કામગીરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

રેડ એલર્ટ બાદ હાલ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દક્ષિણ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ભારે વરસાદના પગલે નદીનું જળ સ્તર પણ વધ્યું છે અને ગ્રામ પંચાયત હસ્તક આવતા 7 રસ્તા પણ બંધ થયા છે. 7 રોડમાં માંડવીના 6 અને માંગરોળના 1 રસ્તાનો સમાવેશ થાય છે. કોઝ-વે ઓવરટોપિન્ગના કારણે આ 7 રસ્તા બંધ થયા છે અને પાણીનું સ્તર ઉતરતા ફરીથી વાહન વ્યવહાર આ રસ્તા પર શરૂ કરવામાં આવશે.

સુરતમાં 10 તાલુકાઓમાં સરેરાશ 11.2 મિમી વરસાદ નોંધાયો છે અને 12 વાગ્યા સુધીમાં ઓલપાડમાં 44 મિમી, કામરેજમાં 20 મિમી, સુરત શહેરમાં 26 મિમી તેમજ સૌથી વધારે વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. તો ઉપરવાસમાંથી સતત પાણીની આવકને લઈને ઉકાઈ ડેમની સપાટી 344.13 ફૂટ પર પહોંચી છે અને ઉકાઈ ડેમમાં હાલ 69,000 ક્યુસેક પાણીની આવક થતા 15 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીમાં હાલ 1.45 લાખ ક્યુસેક પાણી પસાર થઈ રહ્યું છે. તો કોઝ-વેની સપાટી પણ 8.29 મીટર પહોંચી છે.