October 6, 2024

પાલિકાએ જર્જરિત મકાનના પાણી-ડ્રેનેજ કનેક્શન કાપ્યાં, મહિલાએ કહ્યું – હવે શું ઝેર પીને મરી જવાનું!

અમિત રુપાપરા, સુરતઃ શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 7 લોકો મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને સુરત શહેરમાં આવેલી જર્જરિત બિલ્ડિંગોને ખાલી કરાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે 2017થી જર્જરીત જાહેર થયેલા માન દરવાજા ટેનામેન્ટમાં આવાસના 12 બિલ્ડિંગોના 1100થી વધુ ફ્લેટના પાણી અને ડ્રેનેજનાં કનેક્શન કાપવાની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

2017માં સુરત મહાનગરપાલિકા દ્વારા માન દરવાજા ટેનામેન્ટનો સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટમાં આવાસ રહેવાલાયક ન હોવાનું સામે આવતા સુરત મહાનગરપાલિકા દ્વારા આવાસ ખાલી કરાવવા માટે અવારનવાર સ્થાનિક લોકોને નોટિસો આપવામાં આવી હતી. પરંતુ સ્થાનિક રહીશો દ્વારા મકાનો ખાલી કરવામાં આવ્યા નહીં. 2017થી હાલ સુધી સમયાંતરે નોટિસ આપ્યા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

વહેલી સવારથી સુરત મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે માન દરવાજા ટેનામેન્ટના C1થી લઈને C9 બિલ્ડિંગ અને અન્ય ત્રણ બિલ્ડિંગ કુલ મળીને 12 બિલ્ડિંગમાં રહેતા 1100 કરતાં વધારે પરિવારોના નળ અને પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની આ કામગીરીને લઈને સ્થાનિક લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસના બંદોબસ્ત વચ્ચે કોઇપણ પ્રકારના અડચણ વગર પાલિકાની ટીમ દ્વારા ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ મામલે એક મહિલાએ રડમશ અવાજે કહ્યું હતું કે, ‘મારી આગળ પાછળ કોઈ નથી. આશ્રમમાં જ મોટી થઈ છું. એ લોકોએ જ મને પરણાવી હતી. હવે મારું કોઈ નથી તો ઝેર પીને મરી જવાનું. અમને બીજી જગ્યાએ રહેવાનું ભાડું આપવામાં એવી માગણી છે.’

સ્થાનિક લોકો દ્વારા આ બાબતે જણાવવામાં આવ્યું હતું કે, ‘પાલિકા દ્વારા 2017થી સતત નોટિસો આપવામાં આવે છે. પરંતુ રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવતી નથી. કોઇપણ બિલ્ડર રિ-ડેવલોપમેન્ટ કરવા માટે તૈયાર નથી. અગાઉ પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા કરી હતી પરંતુ તે પાલિકા અને બિલ્ડર વચ્ચે મિસકોમ્યુનિકેશનના કારણે આ ટેન્ડર પ્રક્રિયા પણ નિષ્ફળ ગઈ છે. હાલ પાલિકા દ્વારા તાત્કાલિક જ પાણી અને ગટરના કનેક્શન કાપવામાં આવ્યા છે તો અમારે ક્યાં જવું. અમારી એક જ માંગણી છે કે, તંત્ર દ્વારા અમને અન્ય જગ્યા પર રહેવાનું ભાડું આપવામાં આવે અથવા તો રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે. કારણ કે હાલ મોંઘવારીના સમયમાં ભાડા પણ ડબલ થઈ ગયા છે અને પરિવારની આવક ઓછી હોવાથી અન્ય જગ્યાઓ પર ભાડે રહેવા જઈ શકતા નથી. તેથી એક જ માગણી છે કે, અમને જો રહેવા માટે પાલિકા દ્વારા સુવિધા કરી આપવામાં આવે અથવા તો અન્ય જગ્યા પર રહેવા માટે ભાડું આપવામાં આવે તો અમે આ મકાન ખાલી કરવા માટે તૈયાર છીએ.’