January 17, 2025

સુરતના લાંચિયા કોર્પોરેટરની ધરપકડ, એક કોર્પોરેટર ફરાર

મિહિર સોની, અમદાવાદઃ સુરત મહાનગરપાલિકાના લાંચિયા બે કોર્પોરેટર વિરુદ્ધ 10 લાખની લાંચ કેસમાં આપ પાર્ટીના એક કોર્પોરેટરની ACBએ ધરપકડ કરી છે. મલ્ટિ લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવીને કોન્ટ્રાક્ટ રદ કરવાની કોર્પોરેટરે ધમકી આપી લાંચની માગણી કરી હતી. બંને લાંચિયા કોર્પોરેટર લાંચના પૈસા માગવા કોડવર્ડનો ઉપયોગ કરતા હતા.

શહેરનાં રોડ રસ્તાઓની સારી સુવિધા મળી રહે અને પ્રજાને હાલાકી ના પડે માટે કોર્પોરેટર પ્રજાની સેવા કરવા માટે ચૂંટાય છે. એવા કોર્પોરેટ છે કે જે સત્તાનો દુરુપયોગ કરી લાંચની માંગણીઓ કરે છે અને આવા જ બે કોર્પોરેટરો લાંચ કેસમાં પકડાયા છે. સુરત SMCના મગોબ ગામની સીમ આવેલા ટાઉન પ્લાનિંગ સ્કીમ 53ના ફાઇનલ પ્લોટ નંબર 88માં મલ્ટિ લેવલ પે એન્ડ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી હતી. આ અંગે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ ACBના અરજદાર એવા કોન્ટ્રાક્ટરને મળ્યો હતો. પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવેલી હતી.

SMC પુણાના વોર્ડ નંબર 16 અને 17ના આપ પાર્ટીના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયાએ કોન્ટ્રાક્ટરને ધમકી આપી ને કહ્યું કે, તમે શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કર્યું છે, એમ કહીને તકરાર અને બોલચાલી કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ્દ કરાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટ રદ ન કરાવવો હોય તો કોન્ટ્રાકટર પાસેથી બે કોર્પોરેટરે 11 લાખની લાંચની માંગણી કરી હતી. જે બાદ બંને કોર્પોરેટરે કોન્ટ્રાક્ટર સાથે રૂબરૂમાં તથા મોબાઇલ ફોન પર લાંચની માંગણી અંગેની વાતચીત કરી અને રકઝકના અંતે 10 લાખ આપવાનું નક્કી થયું હતું. આ વાતચીતનો ઓડિયો રેકોર્ડિંગ કર્યું હતું. આ રેકોર્ડિંગ FSLમાં વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી પરીક્ષણ કરાવી અને અરજદાર અને લાંચિયા કોર્પોરેટરનો અવાજ મેચ થતા ગુનો નોંધી કોર્પોરેટ વિપુલ સુહાગીયા ધરપકડ કરી છે.

ACBની કસ્ટડીમાં રહેલા સુરત મહાનગરપાલિકાના પુણા વોર્ડનો કોર્પોરેટર વિપુલ સુહાગીયા અને વોન્ટેડ કોર્પોરેટ જીતુ ઉર્ફે જીતેન્દ્ર કાછડીયા પ્રથમ વખત આપ પાર્ટીમાં ચૂંટાઈને નેતા બન્યાં છે. બંને લાંચિયા કોર્પોરેટરે લાંચની રકમ લેવા માટે લાંચના પૈસાના બદલે એક કોડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ડોક્યુમેન્ટ આપવાના છે તેવો શબ્દ વાપરતા હતા.

આ અંગે વાતચીતમાં જ્યાં ડોક્યુમેન્ટ આવે ત્યાં નાણાં સમજવું એવી સ્પષ્ટતા આરોપી કોર્પોરેટરે કરી હતી. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં કોન્ટ્રાક્ટર સાથે બે લાંચિયા કોર્પોરેટરે આવી અને કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપી હતી. આ કોન્ટ્રાક્ટ રદ ન કરવો હોય તો 10 લાખની લાંચ માગી હતી. આ ગુનો નોંધ્યા બાદ કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર કાછડીયા ફરાર થઈ ગયો હતો અને કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ACBની ટીમે સુરતમાં અન્ય નાગરિક કે કોન્ટ્રાક્ટર પાસે આ લાંચિયા કોર્પોરેટરે કોઈ પાસે પૈસા તો નથી પડાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે.