January 16, 2025

સુરતમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા, માવાના સેમ્પલ તપાસ માટે મોકલાયા

અમિત રુપાપરા, સુરતઃ નવરાત્રિ બાદ દિવાળીના તહેવારની તૈયારી શરૂ થઈ ગઈ છે. ત્યારે તહેવારમાં લોકો મીઠાઈ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે અને એટલા માટે જ મીઠાઈ વિક્રેતાઓ મીઠાઈ બનાવવા માટે જે માવાનો ઉપયોગ કરે છે તે માવામાં ભેળશેળયુક્ત છે કે નહીં. તે બાબતની તપાસ માટે સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગની છ ટીમો દ્વારા સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર માવાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. માવાના સેમ્પલો લઈને તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરીના રિપોર્ટમાં જે જગ્યાનો માવો ભેળશેળયુક્ત જણાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નવરાત્રિ બાદ હવે દિવાળીના તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે તહેવારો દરમિયાન લોકો માવામાંથી બનેલી મીઠાઈ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. ઘણા દુકાનદારો આ માવામાં પાવડર કે પછી અન્ય વસ્તુનું ભેળસેળ કરીને તેનું વેચાણ કરતા હોય છે. આ પ્રકારનો માવો લોકોના આરોગ્યને હાનિ પહોંચાડતો હોય છે. ત્યારે લોકોના આરોગ્યની ચિંતા અને ધ્યાને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા સુરતના અલગ અલગ ઝોનમાં માવાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસને કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓની 6 ટીમ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં માવા વિક્રેતાઓને ત્યાં તપાસ કરી માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબોરેટરીમાં માવામાં કોઈપણ પ્રકારના પાવડર કે અન્ય પદાર્થની ભેળસેળ છે કે નહીં તે બાબતે ચકાસણી બાદ રિપોર્ટ આપવામાં આવશે. આ રિપોર્ટમાં જે-તે દુકાનદારો હલકી ગુણવત્તાનો માવો વેચાણ કરતા હશે કે પછી ભેળસેળવાળો માવો વેચાણ કરતા હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તહેવારોમાં લોકો મીઠાઈની ખરીદી વધારે પ્રમાણમાં કરતા હોય છે. આ મીઠાઈ બનાવવા માટે માવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ માવો હલકી ગુણવત્તાનો ઉપયોગ થાય તો મીઠાઈ પણ હલકી ગુણવત્તાની બને છે. તેના કારણે લોકોના આરોગ્યને પણ નુકસાન થતું હોય છે. ત્યારે આ જ પ્રકારે લોકોના આરોગ્યને નુકસાન ન થાય અને ભેળસેળિયા વેપારીઓ વધારે નફાની લાલચમાં માવામાં ભેળશેળ કરીને તેનું વેચાણ ન કરે એટલા માટે સમયાંતરે આ પ્રકારની ડ્રાઇવ આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.