January 19, 2025

સુરત મનપાએ ટેક્સ ઉઘરાવવામાં તમામ રેકોર્ડ્સ તોડ્યાં, 1500 કરોડથી વધુ આવક

surat municipal corporation break records in tax collection

સુરત મહાનગરપાલિકા - ફાઇલ

અમિત રુપાપરા, સુરતઃ મહાનગરપાલિકા છેલ્લા દસ વર્ષના આવક અને ખર્ચના રેકોર્ડ નાણાકીય વર્ષ 2023-24ના વર્ષમાં તોડ્યા છે. પેઈડ FSIમાંથી પાલિકાને 1100 કરોડ મળ્યા છે. પાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસના કામો પાછળ 3100 કરોડનો ખર્ચ કર્યો છે. વ્હિકલ ટેક્સ પેટે 145 કરોડ અને પ્રોફેશનલ ટેક્સ પેટે 160 કરોડની આવક થઈ છે.

સુરત મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસના કામો પાછળ 3100 કરોડનો ખર્ચ કર્યો છે. જ્યારે પ્રોપર્ટી ટેક્સની આવક સ્વરૂપે મનપાને 1533 કરોડ રૂપિયાની આવક થઈ છે. હજુ આવતીકાલે પણ ખર્ચ તેમજ નાણા ભરપાઈની પ્રક્રિયા ચાલુ રહેવાની હોવાથી આંકડામાં વધારો થાય તેવી શક્યતા છે. આ વર્ષે પેડ એફએસઆઇ સ્વરૂપે મનપાને 1100 કરોડની આવક થઈ છે. તે વિકાસના કામો માટે ખૂબ ઉપયોગી બનશે. જકાત નાબૂદી બાદ સુરત મહાનગરપાલિકાએ વિકાસના કામો માટે પ્રોપર્ટી ટેક્સ સહિતની આવક પર નિર્ભર રહેવું પડે છે. સરકાર પાસે હાથ લંબાવવો નહીં પડે તે માટે સુરત મહાનગરપાલિકાની સ્વભંડોળની આવક વધુ થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ જૂનાગઢમાં રેકોર્ડ બ્રેક 46 કરોડ રૂપિયાના વેરાની વસૂલાત

સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળતાંની સાથે સુરત મનપાની આવક કેવી રીતે વધે તેનું પ્લાનિંગ કર્યું હતું. તેના ફળ સ્વરૂપે સુરત મહાનગરપાલિકાનું ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે સુરત મનપા વિકાસના કામો પાછળ થનારો ખર્ચ અને ટેક્સ પેટે થનારી આવકમાં નવા રેકોર્ડ સર્જાયા છે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં વિકાસના કામો માટે 3293 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. તેની સામે 30 માર્ચ સુધી 3100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રોપર્ટી ટેક્સના 2139 કરોડના માંગણા સામે 1533 કરોડ રૂપિયા સુરત મનપાની તિજોરીમાં જમા થઈ ગયા છે. આ ઉપરાંત એફએસઆઇ રૂપે 1100 કરોડ વ્હિકલ ટેક્સ પેટે 145 કરોડ અને પ્રોફેશનલ ટેક્સ પેટે 160 કરોડની આવક સુરત મનપાને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન થઈ છે.

આવતીકાલે 31મી માર્ચના રોજ ખર્ચ અને ટેક્સ ભરપાઈ કરવાની કામગીરી ચાલુ રહેવાની હોવાથી આંકડામાં વધારો થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. જો કે, 10 વર્ષના આવક અને ખર્ચના આંકડા પાર કરીને સુરત મનપાએ જૂના તમામ રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.