સુરતના સાંસદ મુકેશ દલાલને સમન્સ, બિનહરીફ જીતને HCમાં પડકારતી 3 મતદારોની અરજી
અમિત રુપાપરા, સુરતઃ લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીત્યા હતા. ત્યારે મુકેશ દલાલની આ જીતને સુરત કોંગ્રેસના નેતા અને 3 મતદારો દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. સામ, દામ અને દંડની નીતિનો ઉપયોગ કરી ભાજપે ઉમેદવારને બિનહરીફ જાહેર કરાવ્યા હોવાનો અને ચૂંટણી પણ ભાજપના એજન્ટ તરીકે કામ કરતું હોવાની વાતનો ઉલ્લેખ હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી દ્વારા પોતાના અંગત હિત માટે મતદારો સાથે દ્રોહ કર્યાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ત્યારે હવે આ સમગ્ર મામલે હાઇકોર્ટ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલને 9 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે.
સુરત લોકસભા બેઠક પર ફેરચૂંટણી કરવાની માગ સાથે સુરતના ત્રણ મતદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી પિટિશનના પગલે કોર્ટ દ્વારા સુરત લોકસભા બેઠકના સાંસદ મુકેશ દલાલને સમન્સ પાઠવવામાં આવ્યું છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. જ્યાં 19 લાખ મતદારો સાથે પ્રજાદ્રોહ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર રદ થતા અપક્ષ ઉમેદવારો પાસે ભાજપ દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી ફોર્મ ખેંચાવી લેવામાં આવ્યું હતું. જેના કારણે 19 લાખ મતદારો મતદાન કરવાથી વંચિત રહ્યા હતા. આ આક્ષેપ સાથેની પિટિશન સુરતના ત્રણ મતદારો દ્વારા હાઇકોર્ટમાં કરી ફેર ચૂંટણી કરવા માગ કરવામાં આવી હતી.
જેથી હાઇકોર્ટે સુરત લોકસભા બેઠકના સાંસદ મુકેશ દલાલને આગામી 9મી ઓગસ્ટના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. જેથી મુકેશ દલાલની મુશ્કેલી વધી શકે છે. આ બાબતે મુકેશ દલાલનો સંપર્ક કરતા તેઓ ઓલપાડના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હોવાનું જણાવી તેમને કોઇપણ પ્રકારનું હાલ સમન્સ મળ્યું ન હોવાની વાત ટેલિફોનિક વાતચીતમાં જણાવી હતી.