December 23, 2024

સુરતમાં એમડી ડ્રગ્સ ઘુસાડતા વોન્ટેડ આરોપીની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

અમિત રુપાપરા, સુરતઃ શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ડ્રગનું વેચાણ કરતા તેમજ સપ્લાય કરતા અનેક ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે

સુરત ક્રાઈમ બ્રાન્ચની મોબાઇલ સ્નેચિંગ સ્કોડને બાતમી મળી હતી કે, સુરત શહેરમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનારા માસ્ટર માઈન્ડ ડ્રગ્સ માફિયા અનિષ ઉર્ફે અનિશ મામુ મુંબઈના ગોવંડીના શિવાજી નગરમાં છુપાયેલો છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુંબઈ પહોંચી હતી અને આરોપીને ગોવનડીમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી અનિશખાન ખૂબ જ શાતિર હતો અને એટલા માટે તે અત્યાર સુધી પોલીસથી બચવામાં સફળ રહ્યો હતો. આરોપી મુંબઈના ગોવંડીના શિવાજી નગરમાં છુપાઈને સુરતમાં એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાનો વેપલો ચલાવતો હતો. આરોપીની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી સુરત શહેરમાં ચોરી છુપીથી MDનું વેચાણ કરતો હતો અને અત્યાર સુધીમાં તેને સુરત શહેરમાં લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મોકલ્યો છે.

પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે, આશરે છ મહિના પહેલા અનિશ ખાન બર્ગમેન લઈને જતો હતો ત્યારે તેનું એક્સિડન્ટ થયું હતું. તેને એક પગમાં ફ્રેક્ચર થયું હતું. તેથી તે ચાલી શકતો ન હતો અને ત્યારબાદ મુંબઈથી સુરત શહેરમાં અલગ અલગ રીતે જુદી જુદી ટ્રેનમાં અથવા તો રોડ મારફતે એમડી ડ્રગ સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતો હતો. આરોપી આ આખું નેટવર્ક મુંબઈના ગોવંડીમાં બેસીને ચલાવતો હતો. પરંતુ હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચે અનિશ ખાનને ઝડપી પાડી આ ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે.

આ ઈસમ ચાર ગુનામાં વોન્ટેડ હતો. 01/05/2024ના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉધના દરવાજા આવકાર ટેલરની પાછળની ગલીમાંથી મોહમ્મદ તોકીર નામના ઇસમને 20.45 લાખના એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં પણ ડ્રગ્સ સપ્લાયર તરીકે અનિશ ખાનનું નામ સામે આવ્યું હતું. તો 23/06/2024ના રોજ સુરત રેલ્વે સ્ટેશન બહારથી મુંબઈથી ડ્રગ્સ લાવનાર રાબીયાબી શેખ અને સફિક ખાન પઠાણને 25 લાખ 23 હજારના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. આ કેસમાં પણ ડ્રગ્સ માફિયા તરીકે અનિશ ખાનનું નામ સામે આવ્યું હતું.

24/06/2024ના રોજ કાશા મરીના હોટલ પાલમાંથી સરફરાજ ઉર્ફે સલમાનની એમડી અને ગાંજાના 3.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં પણ ડ્રગ્સ માફિયા તરીકે અનિશ ખાનનું નામ સામે આવ્યું હતું. તો 24/06/2024ના રોજ રાંદેરના રામા રેસીડેન્સી પાસેથી ફૈસલ અને યાસીન નામના ઇસમોને પણ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 3 લાખ 15 હજાર રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા અને આ કેસમાં પણ અનિશ ખાનનું નામ સામે આવ્યું હતું અને આ સમગ્ર મામલે આરોપી સામે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં બે, પાલ પોલીસ સ્ટેશનમાં એક અને રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો અને હાલ પોલીસે આરોપી અનિષ ખાનની ધરપકડ કરી ચાર ગુનાનો ભેદ ઉકેલ્યો છે.