December 23, 2024

સુરતમાં MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત

અમિત રુપાપરા, સુરતઃ શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં 352 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે SOG દ્વારા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી 35.20 લાખ રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હિન્દુ સંગઠનો દ્વારા સુરત પોલીસ કમિશનરને નવરાત્રિ પહેલા અરજ કરવામાં આવી હતી કે, કેટલાક ઈસમો નવરાત્રિના આયોજનો આસપાસ ડ્રગ્સનું વેચાણ કરે છે. ત્યારે આ ઈસમ પણ અડાજણમાં નવરાત્રિના મોટા આયોજનના બેથી અઢી કિલોમીટરના વિસ્તારમાંથી ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર નવરાત્રિના મોટા આયોજનો કરવામાં આવ્યા છે. તેને નવરાત્રિના આયોજનો પહેલા જ હિન્દુ સંગઠન દ્વારા સુરત પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે, હિન્દુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિને ટાર્ગેટ કરીને કેટલાક ઈસમો યુવાનોને નશાની લતે લગાડવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે હિન્દુ સંગઠનોની આ વાત ક્યાંકને ક્યાંક સાચી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે.

આ કહેવાનું કારણ એવું છે કે, સુરત SOG પોલીસે 352 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે સુરતના અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી રોડ તરફની સામે જાહેરમાં એક ઈસમ ડ્રગનું વેચાણ કરવા માટે ઊભો છે.

બાતમીના આધારે તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરીને આ ઈસમને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 352 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઇસમનું નામ મહમદ આસિફ અબ્દુલ રસીદ શેખ છે અને તે પદ્માવતી સોસાયટી લીંબાયતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપી પાસેથી બે મોબાઈલ અને ડ્રગ્સના વેચાણના 89,900 રૂપિયા પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસે જે જગ્યા પરથી આરોપી મોહમ્મદ આસિફ શેખની ધરપકડ કરી છે, તે જગ્યાથી અઢીથી ત્રણ કિલોમીટરના અંતરે નવરાત્રિનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. મોટાભાગના યુવાનો નવરાત્રિના ડોમ સુધી પહોંચવા માટે આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે નવરાત્રિમાં ગરબે રમવા જતા યુવાનોને આ ઈસમ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની પણ શંકા સેવાય રહી છે. ત્યારે પોલીસ દ્વારા આ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે.

મહત્વની વાત છે કે, કેટલાક લોકોને આ ઈસમ MDનું વેચાણ ચૂક્યો છે અને એટલા માટે તેની પાસેથી ડ્રગ્સના વેચાણના 89 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા છે. આરોપી પાસેથી જે રોકડા રૂપિયા મળ્યા છે તેના પરથી એવું કહી શકાય કે આરોપી અગાઉ 9થી 10 ગ્રામ જેટલું ડ્રગ્સ કોઈ ઇસમોને વેચાણ કરી ચૂક્યો છે. આરોપી જે પ્રકારે પોતાની સાથે 350 ગ્રામ કરતાં વધારે ડ્રગ્સનો મુદ્દામાલ લઈને ફરી રહ્યો હતો તે પરથી આશંકા વ્યક્ત કરી શકાય કે તે વધારે યુવકોને આ ડ્રગ્સનું વેચાણ કરવાનો હતો અને મોડી રાત્રે ગરબે રમીને પરત આવતા યુવાનોને આરોપી ડ્રગનું વેચાણ કરવાનું હોય તેવી શક્યતાને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે.

આરોપી મોહમ્મદ આશિફની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી કોઈ કામ ધંધો કરતો ન હતો અને મોજશોખ પૂરા કરવા માટે અને શોર્ટકટથી પૈસા કમાવવા માટે તે આ ડ્રગ્સનું વેચાણ કરતો હતો. મુંબઈથી યોગેશ ઈંગ્લે નામના વ્યક્તિ પાસેથી MD ડ્રગ્સ લાવતો હતો. આરોપી વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.