December 16, 2024

સુરતનું મારૂતિ ઇમ્પેક્સ 4 મહિના બંધ રાખવાનો નિર્ણય, 15 હજારથી વધુ કર્મચારીને અસર

સુરતઃ રત્નકલાકારો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં આવેલા મારુતિ ઇમ્પેકસને ત્રણથી ચાર મહિના સુધી બંધ રાખવાના નિર્ણયથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ નિર્ણયથી સુરત અને સૌરાષ્ટ્રના 15 હજારથી વધુ કર્મચારીને અસર થશે.

મારુતિ ઇમ્પેક્સના માલિક સુરેશ ભોજપરાની નાદુરસ્ત તબિયતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રેઇન સ્ટ્રોક આવતા સુરેશ ભોજપરા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના સિવાય અન્ય કોઈ મારુતિ ઇમ્પેક્સનું સંચાલન કરી શકે તેમ નથી. સુરત, ભાવનગર, લાઠી, બાબરા સહિત 100 ખાતા ચાલી રહ્યા છે.

સુરેશ ભોજપરાની તબિયત સ્થિર થતાં હજુ 4 મહિના લાગી શકે તેમ છે. અન્ય કોઈ ભાગીદાર ન હોવાથી મારુતિ ઇમ્પેકસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એકબાજુ હીરા ઉદ્યોગમાં મંદી છે અને એમાંય આ પ્રકારના નિર્ણયથી અનેક લોકોને અસર થશે.