ખાનગી શાળાને ટક્કર મારે તેવી ગુજરાતની સૌથી અનોખી સરકારી શાળા
કિરણસિંહ ગોહિલ, સુરતઃ વાત કરીએ સુરત જિલ્લાની એક એવી સરકારી શાળાની જે ખાનગી શાળાના શિક્ષણને ટક્કર મારે છે. આ સરકારી શાળામાં સામાન્ય પરિવારના બાળકો અભ્યાસ કરે છે પણ આ બાળકો શિક્ષકની જેમ અસાધારણ બાળકો છે. આ બાળકો એકડાં, બારાખડી કે ક,ખ,ગ નહીં પણ સાત ભાષા બોલે છે, સમજે છે અને લખે છે.
સુરત જિલ્લાના છેવાડે આવેલા આદિવાસી વિસ્તારના માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામની આ વાત છે. આ ગામમાં પ્રાથમિક શિક્ષણ માટે 1થી 5 ધોરણની શાળા આવેલી છે. આ શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં ભારે ટેલેન્ટ છુપાયેલું છે. આ શાળામાં ત્રણ શિક્ષક છે. મુખ્ય શિક્ષક શાહ મોહમ્મદ શહીદ, બીજા સવીલાલભાઈ ચૌધરી અને અલ્કાબેન ચૌધરી. જેમાં મુખ્ય શિક્ષક શાહ મોહમ્મદ શહીદે સરકારી શાળાના શિક્ષણને ઊચ્ચ કોટિનું શિક્ષણ બનાવી દીધું છે. આ ઝાંખરડા ગામ 600ની વસ્તી ધરાવતું ગામ છે. એક જ ફળિયું છે, ૩ શિક્ષકો છે અને શાળામાં બાળકોની સંખ્યા પણ ઓછી હતી. કારણ કે, સામાન્ય ગરીબ પરિવારના બાળકો હોવાથી બાળકો શાળાએ આવતા પણ નહોતા. તેમને ઘરેથી બોલાવીને ભણાવવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. રમતની સાથે ગમ્મત અને ગમ્મતની સાથે શિક્ષણ આપી બાળકોને ગમતું શિક્ષણ આપ્યું અને બાળકો શાળાએ આવતા થયા. આજે શાળામાં 1થી 5 ધોરણમાં 85 બાળકો અભ્યાસ કરે છે.
આ શાળામાં માત્ર શિક્ષણ નહીં સેવા અને માનવતાના પાઠ ભણાવવામાં આવે છે. શાળાના શિક્ષક મુસ્લિમ છે પણ તેઓ બાળકો પ્રત્યે અપાર સ્નેહ પ્રેમ રાખે છે. આ શાળામાં બાળકોને ચાઇનીઝ, જાપાનીઝ, રોમન, તમિલ સહિત અન્ય ભાષા શીખવવામાં આવે છે. બાળકો આ ભાષા બોલે છે, સમજે છે અને લખે છે, છતાં શાળાના શિક્ષક ખુશ નથી. કારણ કે, શિક્ષકે આ બાળકોને સારા માણસ બનાવવા છે. બીજા ધોરણથી જી.પી.એસ.સીની તૈયારી કરાવવામાં આવે છે. બાળકોને સંસ્કાર, સેવા કરવાના પાઠ ભણાવવામાં આવે છે. બાળકો ઘરેથી શાળાએ આવવા નીકળે ત્યારે માતા-પિતાને પગે લાગે છે. શિસ્તબદ્ધએ આવે છે. મંદિરમાં ભગવાનના દર્શન કરે છે અને શાળા છૂટે ત્યારે લાઈનમાં ઘરે જાય છે. ઘરે જઈ માતાને પાણી પીવડાવે પછી જ દફતર નીચે મૂકે છે. જમતા પહેલાં ભગવત ગીતાનું એક પેજ વાંચવાનું અને ત્યારબાદ ભોજન અને રાત્રે સૂતા પહેલાં દાતણ કરવું પછી સૂવું. આ શાળા રવિવારે ચાલે છે. બાળકો રવિવારે શાળાએ ભેગા થાય છે અને ગામની મુલાકાત લઈ ભજન કીર્તન કરે છે અને બીમાર વ્યક્તિને મળી મદદ પણ કરે છે.
શિક્ષક કહે છે કે, ‘અમે શાળામાં બાળકોમાં આત્મવિશ્વાસ વધે એવું શિક્ષણ આપીએ છીએ. અમારી શાળાનો બાળક ભવિષ્યમાં મોટો થઈ સાઉથમાં જાય તો તેને તમિલ આવડે. જો મિડલ ઇસ્ટમાં જાય તો ઉર્દુ આવડે અને વિદેશ જાય તો ચાઇનીઝ, જાપાનીઝ, રોમન, હિન્દી, અંગ્રેજી આવડે. જેથી કરી દુનિયાના ગમે તે છેડે તેને ભાષાને લઈ તકલીફ ના પડે. અમે વૈદિક પદ્ધતિ જે આપણા ઋષિઓ ભણાવતા એ જ સિદ્ધાંત પર ભણાવીએ છીએ. બાળકો ઉંધી સ્પેલિંગ, ઉંધા કક્કો, એ.બી.સી.ડી બોલી શકે. આજે કોમ્પ્યુટર અને કેલ્ક્યુલેટરના જમાનામાં આપણે ગુલામ થઈ ગયા છે, પણ મારી શાળાનો બાળક કરોડોનો ઘડીયો બોલે છે. જ્યાં કેલ્સી અને કોમ્પ્યુટરમાં એરર આવી જાય પણ મારા બાળકોમાં ક્યારેય એરર આવતી નથી.’
આ ઝાંખરડા પ્રાથમિક શાળામાં સૌથી મહત્વની બાબત એ છે કે, બાળકો શાળામાં ભગવદ ગીતા સાથે અભ્યાસ કરે છે. આ બાળકો ગીતા પણ વાંચે છે અને કુરાન પણ સમજે છે. આ સાથે ભારત જેવા મોટા દેશમાં જાતિવાદ અભિશાપ છે, પણ આ શાળામાં જાતિવાદને સમાપ્ત કરી દીધો છે. બાળકો શાળા કમ્પાઉન્ડમાં આવે એટલે પોતાનું અસલ નામ ભૂલી જવાનું શાળાના શિક્ષકે બાળકોના આયખા પ્રમાણે પ્રાણી, ફળ પર વિદ્યાર્થીના નામ આપ્યા છે. કોઈનું નામ લાયન છે, તો કોઈનું નામ એપલ, તો કોઈનું નામ બ્લેક કેટ નામ આપ્યું છે.
આ શાળામાં ત્રણ શિક્ષકો જેમાં સવિલાલભાઈ ચૌધરી એક અને બે ધોરણ ભણાવે છે. જ્યારે અલકાબેન ચૌધરી ત્રીજુ ધોરણ ભણાવે છે. જ્યારે શાળાના આચાર્ય શાહ મોહમ્મદ શહીદ તમામ ક્લાસના બાળકોને ભણાવે છે. આ શાળાની નોંધ એક મુસ્લિમ શિક્ષકના કારણે ગાંધીનગર સુધી લેવાય છે. આ શાળામાં જ્યારે મોહમ્મદ શહીદ શાહ શિક્ષક તરીકે આવ્યા હતા, ત્યારે બાળકોને ઘરેથી લાવવા પડતા હતા. આજે આ શાળામાં શિક્ષણની સાથે સેવા, સંસ્કાર સહિત સાત વિદેશી ભાષા અને જીપીએસસીની તૈયારી કરાવવામાં આવે છે. વૈદિક પદ્ધતિથી ગણિત અને 1થી 9 કરોડ સુધી ઘડિયા શીખવામાં આવે છે. આ ઘડિયાનો ઉકેલ બાળકો એક પળમાં કરી નાંખે છે. કોમ્પ્યુટર અને કેલ્ક્યુલેટરમાં એરર આવી જાય પણ આ બાળકોમાં ક્યારેય એરર આવતી નથી. આ શાળાના અન્ય શિક્ષકો પણ મુખ્ય આચાર્યના કામથી પ્રભાવિત થયા છે.
આમ તો, સામાન્ય રીતે ગુજરાતની સરકારી શાળાના શિક્ષણ પર હંમેશા સવાલ ઉઠાવવામાં આવે છે. ચૂંટણી દરમિયાન શિક્ષણને લઈ દિલ્હી મોડલની વાતો કરવામાં આવતી હતી. પરંતુ ગુજરાતની નાનકડી સરકારી સામે દિલ્હી મોડલ ક્યાંય ટકતું નથી. કારણ કે, ઝાંખરડા મોડલ બેસ્ટ અને શ્રેષ્ઠ છે. આ સરકારી શાળાના બાળકો તાલુકા જિલ્લાના નામ ફટાફટ બોલે છે. કેટલાં રાજ્યો, કોણ રાજ્યપાલ અને કેટલાં વડાપ્રધાન આવ્યા અને ગયા, એ સાલ સાથે બોલે છે. એકડા, કક્કો અને ઉંધી સ્પેલિંગ, ઊંધી અને સીધી એ.બી.સી.ડી આ શાળાના બાળકો બોલે છે. કોલેજના યુવાનો પણ એકથી 5 ધોરણ સામે ટકી ના શકે એટલું ભરપૂર નોલેજ આ બાળકોમાં છે.
ગામડાની શાળામાં સારું શિક્ષણ ના મળતું હોવાના આક્ષેપ સાથે ગામડાના લોકો શહેરની શાળાઓમાં બાળકોને ભણવા મોકલતા હતા. જેના કારણે ગામડાની શાળામાં બાળકો ઓછા થઈ જતા હતા અને શાળાઓ મર્જ કરવાની નોબત આવી હતી. પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકાર મોહમ્મદ શહીદ જેવા શિક્ષકોને પોત્સાહન આપે અને આખા ગુજરાતમાં ઝાંખરડા પ્રાથમિક શાળાનું મોડલ અમલમાં મૂકે તો સરકારી શાળાઓ ફરી આદર્શ શાળા બની જાય. હાલમાં ઝાંખરડા પ્રાથમિક શાળામાં માત્ર ગામના બાળકો નહીં પણ આજુબાજુના તાલુકાના બાળકો પણ આવતા થયા છે.