December 25, 2024

માંગરોળ ગેંગરેપ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, ચાલુ ટ્રેનમાંથી ઉઠાવી લીધો

સુરતઃ માંગરોળ ગેંગરેપ કેસનો ફરાર ત્રીજો આરોપી ઝડપી પાડ્યો છે. સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનારો ત્રીજો આરોપી પકડાયો છે. અમદાવાદ-મહેસાણા વચ્ચે ટ્રેનમાંથી પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે.

પોલીસે રાજુ નામના આરોપીની ધરપકડ કરી છે. સગીરા પર ગેંગરેપ કર્યા પછી ત્રણેય આરોપી ઘરે ગયા હતા. ત્યારે મોબાઇલ લોકેશનને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત ગ્રામ્ય પોલીસ અને જીઆરપી અમદાવાદના સંકલનને કારણે અમદાવાદ-મહેસાણા વચ્ચે ટ્રેનમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓને પોલીસ કાર્યવાહીની જાણ થતા જ અલગ અલગ દિશામાં ભાગ્યા હતા.

રાજુ પર પોલીસનું સતત સર્વેલન્સ હતું. પરંતુ થોડા થોડા સમયના અંતરે તે મોબાઇલ બંધ કરી દેતો હતો. જેથી પોલીસ તેના સુધી પહોંચી શકતી નહોતી. જો કે, રાજુ પાસે પૈસા ન હોવાને કારણે તેણે બહેન અને બાકી પરીચિત લોકોને ફોન કરી પૈસા માંગ્યા હતા. આ સમયે એનું લોકેશન વડોદરા પાસે હતું. જો કે, પોલીસ પહોંચે એ પહેલાં તેણે ફોન બંધ કરી દીધો હતો.

રાજુના લોકેશનને જોતા પોલીસને શક હતો કે એણે ટ્રેનનો રૂટ પકડ્યો છે. રાજુની મૂવમેન્ટ જોતા અંદાજ આવ્યો કે તે મુંબઈ-અજમેર ટ્રેનમાં છે. આ માહિતી પૂરતી હતી. GRPએ ટ્રેનને ટાર્ગેટ તરીકે લીધી. ટ્રેન કમ્પાર્ટમેન્ટમાં પોલીસ નજર રાખી રહી હતી, તે વખતે રાજુએ ફરી એકવાર ફોન ચાલુ કર્યો અને તે રંગેહાથે પકડાયો હતો. રાજુને પકડવા આઇજી પ્રેમવીર સિંહ અને એસપી હિતેષ જોઈશરના માર્ગદર્શનમાં 20થી વધુ ટીમ બનાવી હતી. છેલ્લા 48 કલાકથી આંખનું એક મટકું માર્યા વગર ટીમ સતત પ્રયત્નશીલ હતી. રાજુ હમણાં જ ચોરીના આરોપમાં રાજસ્થાનની જેલમાંથી છૂટ્યો હતો.