December 27, 2024

નકલી નોટો મામલે વધુ એક આરોપીની ધરપકડ, 2 લાખથી વધુની નોટ જપ્ત

અમિત રુપાપરા, સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં ન્યૂઝ ચેનલની ઓફિસની આડમાં નકલી ચલણી નોટની કાળા બજારીનો પર્દાફાશ થયો છે. સુરત SOGએ દરોડા પાડીને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ મામલે વધુ એક આરોપીને 2.90 લાખની નકલી ચલણી નોટ સાથે સલાબતપુરા ઉમરવાડા ગુજરાતી સ્કૂલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઈસમનું નામ સાદીક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોર છે અને તે ગાડી લે-વેચનો ધંધો કરે છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની આડમાં ફિરોજ શાહ સાગરીતો સાથે મળીને નકલી નોટો છાપતો હતો. સુરત SOGએ બાતમીના આધારે ફિરોજ સહિત કુલ 3 ઇસમોની ધરપકડ કરી હતી અને તેની પાસેથી નકલી નોટનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ત્યારે આરોપીઓની પૂછપરછમાં સાદિક અલી ઉર્ફે બટાકાનું નામ ખુલ્યું હતું અને ત્યારબાદ પોલીસે સાદીકની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ સુરત-ધુલિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત; 3 મોત, 7 ઇજાગ્રસ્ત

પોલીસથી બચવા માટે આ સાદિક કર્ણાટક ભાગી ગયો હતો અને ત્યારબાદ ફરીથી સુરત આવ્યો હતો. સુરત SOGએ બાતમીના આધારે સાદિકને સલાબતપુરાના ઉમરવાડા ગુજરાતી સ્કૂલ પાસેથી ઝડપી પાડ્યો હતો. સાદીકની પૂછપરછમાં તેને કબૂલાત કરી હતી કે, તેને આરોપી ફિરોજ શાહ પાસેથી પૈસા કમાવાની લાલચે 2.91 લાખની 200ના દરની નકલી નોટો ખરીદી હતી. ત્યારબાદ તેને આ નોટો પોતાના ઘરે મૂકી દીધી હતી અને તે બજારમાં આ નોટ વટાવવાનો પ્રયાસ કરતો હતો.

તે દરમિયાન જ ફિરોજની ઓફિસ પર પોલીસની રેડ પડી હતી અને ફિરોજ સહિત ત્રણને બનાવટી ચલણી નોટો સાથે પોલીસે ઝડપી લીધા હતા. ત્યારબાદ સાદિક અલી પોલીસથી બચવા કર્ણાટક ભાગી ગયો હતો અને ત્યારબાદ તે ફરીથી સુરત આવ્યો હતો. બાતમીના આધારે તે ઝડપાઈ ગયો હતો અને ત્યારબાદ સાદિકની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેને નકલી નોટો મકાનમાં સંતાડી રાખી છે. તેથી પોલીસે આરોપીને સાથે રાખીને સાદીકના ઘરે તપાસ કરી ત્યાંથી બસોના દરની 2.90 લાખની નકલી ચલની નોટો જપ્ત કરી છે. આમ, અત્યાર સુધીમાં પોલીસે આ નકલી નોટના પ્રકરણમાં ચાર આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી 12.26 લાખની ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે.