January 26, 2025

સુરત જિલ્લા LCBએ કર્યો કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, બેની અટકાયત

કિરણસિંહ ગોહિલ, સુરતઃ જિલ્લા એલસીબીની ટીમ દ્વારા કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી મુંબઈ પોર્ટ થઈ વિદેશ મોકલવામાં આવતા કેમિકલની ચોરી કરતા હતા. પોલીસે 40 લાખથી વધુની કિંમતનો કેમિકલનો જથ્થો કબજે કરી 2 આરોપીની અટકાયત કરી આગળની તપાસ વાગરા પોલીસ મથકે સોંપવામાં આવી છે.

સુરત જીલ્લા એલસીબીની ટીમે બાતમીના આધારે માંગરોળ તાલુકાના નેશનલ હાઈવેને અડીને આવેલા પીપોદરા ગામે જીઆઈડીસીમાં દરોડા પડ્યા હતા. જિલ્લા એલસીબીની ટીમને માહિતી મળી હતી કે, જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે એક ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. એલસીબીની ટીમને ઘટનાસ્થળેથી કેમિકલ ભરેલી 318 જેટલી બેગ પણ મળી આવી હતી અને 2 ઈસમો પણ ઘટનાસ્થળેથી મળી આવ્યા હતા. પોલીસે આ બંને ઈસમોની પૂછપરછ કરતા આ બંને ઈસમો અનુપસિંહ અને સંદીપગીરી ગોસ્વામી હોવાનું જાણવા મળ્યું હતું.

બંને ઝડપાયેલા ઈસમોની પૂછપરછ માં ચોકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. આ બંને ઈસમો રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું હતું. આ બંને ઈસમો કેમિકલ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા હતા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં અનેક કેમિકલની મિલો આવેલી છે અને આ મિલોમાં કોસ્મેટીકમાં વાપરવામાં આવતા કેમિકલનું ઉત્પાદન થાય છે. આ કેમિકલનો જથ્થો કન્ટેનર દ્વારા મુંબઈ પોર્ટ પર મોકલવામાં આવે છે. ત્યારબાદ મુંબઈથી આ જથ્થો વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.

આ બંને ઝડપાયેલા કેમિકલ ચોર કન્ટેનરના ડ્રાયવરના મેળાપીપણામાં સીલબંધ કન્ટેનરમાંથી કેમિકલના જથ્થામાંથી અમુક જથ્થો ચોરી કરી કાઢી લેતા અને તેની જગ્યા પર એટલા જ વજની રેતી ભરી ફરીથી કન્ટેનરમાં મૂકી દેતા અને કન્ટેનરમાં નકલી સીલ લગાવી દેતા હતા. આ બંને આરોપીઓએ અત્યાર સુધીમાં કુલ 30 ટન જેટલો કેમિકલનો જથ્થો ચોરી કર્યો હોવાની કબુલાત કરી છે. જેમાંથી 10 ટન જથ્થો પોલીસે ઝડપી પડ્યો છે. જ્યારે વધુ 20 ટન જથ્થો દિલ્હીના કોઈ વેપારીને વેચી દીધા હોવાની કબુલાત કરી છે.

બંને પેકીનો અનુપસિંહ અગાઉ પણ કેમિકલ ચોરીના અલગ અલગ 3 ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે સંદીપગીરી ગોસ્વામી વિરુદ્ધ રાજ્યના અલગ અલગ પોલીસ મથકોમાં 8થી વધુ ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે આરોપીઓને વાગરા પોલીસ મથક સોંપી દીધા છે અને વધુ તપાસ વાગરા પોલીસ કરી રહી છે.