December 19, 2024

સુરતમાં જમીન દલાલને માર મારતા મોત, ચાર આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતના જમીન દલાલને 5 ઇસમો દ્વારા માર માર્યા બાદ જમીન દલાલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હવે આ ઘટનાને લઈને સલાબતપુરા પોલીસ દ્વારા પિતા પુત્ર સહિત કુલ ચાર આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને એક આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર હત્યા, લૂંટ, મારામારી, ચોરી જેવી ઘટના સામે આવે છે. ત્યારે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક જમીન દલાલને જૂની અદાવતમાં પાંચ ઈસમો દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં જમીન દલાલનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને ગંભીરતાથી લઈને સલાબતપુરા પોલીસ દ્વારા પિતા-પુત્ર સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા બેગમપુરા વિસ્તારમાં મોહમ્મદ હનીફ ગુલામ રસુલ હાસોટી જમીન દલાલ પોતાના પરિવાર સાથે રહેતા હતા. શુક્રવારના રોજ હજુરી ચેમ્બર્સ પાસે માસુમપીર કબ્રસ્તાનના ગેટ નજીક બે પરિવાર વચ્ચે જૂની અદાવતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન મોહમ્મદ આરીફ મહેમુદ શેખ અને તેના પુત્ર વસીમ દ્વારા અન્ય ત્રણ ઈસમો સાથે મળીને જમીન દલાલ મોહમ્મદ હનીફ ગુલામ રસુલને માર મારવામાં આવ્યો હતો.

જમીન દલાલને ગળાના ભાગે પેચિયા જેવા સાધન વડે ગંભીર ઈજા પહોંચાડતા જમીન દલાલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્મિમેર હોસ્પિટલમાં જમીન દલાલના ચહેરા પર 14 ટાંકા સારવાર દરમિયાન લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરિવાર દ્વારા જમીન દલાલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, ત્યાં સારવાર દરમિયાન જમીન દલાલનું મોત થયું હતું.

આ ઝગડાને લઈને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામે સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ આ ઘટનામાં 55 વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસુલનું મોત થયું હોવાના કારણે સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીમાં મોહમ્મદ આરીફ મહેમુદ શેખ, વસીમ શેખ, મોહમ્મદ એઝાઝ રફીક શેખ અને રિઝવાન રફીકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.