December 23, 2024

સુરતમાં નિર્માણાધીન મેટ્રો બ્રિજ નમી જતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં મેટ્રોની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે. ત્યારે મેટ્રોની કામગીરીમાં પણ બેદરકારી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરત કડોદરા વચ્ચે સારોલી પાસે બની રહેલા મેટ્રોના બ્રિજનો એક ભાગ વચ્ચેથી તૂટી ગયો હતો. બ્રિજ વચ્ચેથી તૂટી જવાના કારણે તાત્કાલિક અસરથી આ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓ દ્વારા વાહનોની અવરજવર આ રસ્તા પર બંધ કરાવી સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગ નહીં કરવામાં આવી હતી. તેથી તાત્કાલિક અસરથી ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.

મેટ્રોની બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક જ તૂટી જતા બ્રિજની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આસપાસ રહેલા તમામ ગોડાઉન બંધ કરાવી દેવામાં આવ્યા છે અને લોકોની અવર-જવર પર પણ પોલીસ દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેથી કરીને કોઈ જાનહાની ન સર્જાય.

ઘટનાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારે, કોર્પોરેટર સેજલ માલવીયા દ્વારા શાસકો પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. સેજલ માલવિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં બ્રીજ તૂટવાની અગાઉ પણ ઘટનાઓ બની ચુકી છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. ત્યારે નિર્માણ આધીન બ્રિજમાં કઈ પ્રકારનું મટીરીયલ ઉપયોગમાં લેવાયું હશે તે આ ઘટના પરથી સાબિત થઈ રહ્યું છે. સુરત મનપાની પ્રિમોનસૂન કામગીરીની પણ પોલ છતી થતી થઈ છે. અનેક બ્રિજ પર ખાડાઓ પડ્યા છે ત્યારે આ બ્રિજ શરૂ થયા બાદ જો આ પ્રકારની ઘટના બની હોત તો મોટી દુર્ઘટના સર્જાય હોત અને લોકોના મોત પણ થયા હોત.

મહત્વની વાત છે કે મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજ વચ્ચેથી તૂટી ગયો હોવા છતાં પણ પડી ગયો છે. મેટ્રોના અધિકારી બે કલાક સુધી ઘટના સ્થળ પર જોવા મળ્યા ન હતા. માત્ર પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળ પર કામ કરતું દેખાયું હતું એટલે મેટ્રોના અધિકારીઓને પણ આ ઘટનાની કંઈ પડી ન હોય તેવું લાગી રહ્યું છે. કારણકે બે કલાકથી પોલીસ ઘટના સ્થળ પર હોવા છતાં પણ મેટ્રોનો એક પણ અધિકારી કઈ રીતે આ ઘટના બની તે જોવા માટે પણ ઘટના સ્થળ પર દેખાયા નથી.