December 23, 2024

પત્નીને સાસરે ન આવવા દેતા સાળાની હત્યાનો પ્લાન બનાવ્યો, મારે તે પહેલાં જ ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરની કાપોદ્રાની પોલીસે ચોરી થયેલો ટેમ્પો શોધી કાઢ્યો હતો. જો કે, આ ટેમ્પો શા માટે ચોરવામાં આવ્યો તે કારણ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોતાના જ સાળાની હત્યા કરવા માટે આ ટેમ્પો ચોરી કર્યા હોવાની આરોપીએ કબુલાત કરી હતી.

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક ટેમ્પોની ચોરી થઈ હતી. ટેમ્પો ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી. પોલીસ વાહન ચોરીના ગુના બાબતે તપાસ કરતી હતી. તે દરમિયાન ટેમ્પો શંકાસ્પદ હાલતમાં રોડ પર ઉભેલો જોવા મળ્યો હતો. જેથી પોકેટ કોપમાં જોતા આ ટેમ્પો ચોરીનો હોવાનું સામે આવ્યું હતું. આ ટેમ્પો પાસે ઉભેલા બંને ઈસમોની પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં ટ્રાફિક નિયમન માટે 26 જંક્શન ઉપર 45 બમ્પ દૂર કર્યા

મહારાષ્ટ્રના ઔરંગાબાદના વતની રવિન્દ્ર ઝરારે સુરતથી ઓરંગાબાદ ખાનગી લક્ઝરી બસ ચલાવતો હતો. રવિન્દ્રને વતનમાં તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો. પતિ પત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં સમાધાનની વાત ચાલતી હતી. આ સમાધાનની વચ્ચે રાજેન્દ્રનો સાળો મનોજ રાજી ન હતો અને રાજેન્દ્રના પત્ની કવિતાને સાસરીમાં મોકલતો ન હતો. આ વાતની દાજ રાખી તેમના એક મિત્ર સાથે મળી સાળા મનોજની હત્યા કરવાનું વિચાર્યું હતું.

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીને ગજવેશનો શણગાર

જેથી સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક ટેમ્પાની ચોરી કરી હતી. ટેમ્પો ચોરી કર્યા બાદ મહારાષ્ટ્ર ખાતે આ ટેમ્પો રાજેન્દ્ર અને તેમનો મિત્ર લઈ ગયો હતો. ટેમ્પા દ્વારા તેમના સાળાને અડફેટે લઈ હત્યા કરી નાખવાનું કાવતરું રચ્યું હતું. ત્યાં તેમના સાળા સાથે અકસ્માત કરવા માટે આ બંનેની હિંમત ચાલી ન હતી અને ત્યાંથી તેઓ પરત ટેમ્પો લઈ સુરત આવી ગયા હતા. સુરતમાં કોઈપણ જગ્યાએ આ ટેમ્પો વેચી મારી સગેવગે કરી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. ટેમ્પો વહેંચે તે પહેલા જ પોલીસે આ બંનેને ટેમ્પા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે રવિન્દ્રશંકર ઝરારે અને તેમના મિત્ર ભાવેશ ભીખા લાઠીયા બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.