કાપોદ્રા પોલીસે મજૂર બની ઝડપ્યાં હીરાના બે ચોર, 6 લાખનો મુદ્દામાલ જપ્ત

અમિત રુપાપરા, સુરતઃ શહેરની કાપોદ્રા પોલીસે ચંબલની ખીણ નજીક આવેલા બિહળ – દેહતશત જેવા વિસ્તારમાંથી મજૂરનો વેશ ધારણ કરી સુરતમાંથી 11 લાખ રૂપિયાની હીરાની ચોરી કરી ફરાર થયેલા ઇસમને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આ ચોરના સાગરીતને રાજસ્થાનથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. બંને પાસેથી પોલીસની છ લાખ રૂપિયાના હીરાનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે.

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર સ્નેહ મુદ્રા સોસાયટીના મકાન નંબર 63ના ગ્રાઉન્ડ ફ્લોરમાં હીરાના કારખાનામાંથી 13 માર્ચ 2025થી 15 માર્ચ 2025 દરમિયાન રત્નકલાકાર તરીકે કામ કરતા આકાશ શક્ય નામના ઈસમ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આકાશે કારખાનામાં રહેલી તિજોરીનો નંબર મેળવી લઈ તિજોરીમાંથી 11 લાખ રૂપિયાના હીરાની ચોરી કરી હતી. ત્યારબાદ તે ફરાર થયો હતો. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. વાઘેલા કરી રહ્યા હતા. તપાસ દરમિયાન તેમને માહિતી મળી હતી કે, આરોપી આકાશ વતન મધ્યપ્રદેશ ભાગી ગયો છે. આરોપી ચંબલની ખાડીની આજુબાજુનો વિસ્તારનો રહેવાસી હોવાનું પણ પોલીસને માહિતી મળી હતી. આરોપીને પકડવા માટે પોલીસની એક મજબૂત ઈન્વેસ્ટિગેશન ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં પીએસઆઇ ડી.બી. પિંજર તેમજ હેડ કોન્સ્ટેબલ દામજી ધનજીભાઈ, હેડ કોન્સ્ટેબલ સંજય મનજીભાઈની ટીમને આરોપીને પકડવા માટે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં મોકલવામાં આવ્યા હતા.

પોલીસની ટીમ દ્વારા મજૂરનો વેશ ધારણ કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસને આ ગુનાના મુખ્ય આરોપી આકાશને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આકાશની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ચોરીની ઘટનામાં તેની સાથે કૈલાસકુમાર મેઘવાલ નામના ઇસમે પણ સહયોગ આપ્યો હતો. તેથી રાજસ્થાનના શિરોહી જિલ્લામાંથી આરોપી કૈલાશકુમાર મેઘવાલને પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા આ બંને આરોપી પાસેથી 6 લાખ રૂપિયાના હીરાનો મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપી પાસેથી બે મોબાઈલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. હાલ આ બંને આરોપીની પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યુ હતું કે, આકાશ અને કૈલાશ બંને ડાયમંડ વર્કર તરીકે કામ કરે છે. આ ઉપરાંત આકાશ નામનો ઈસમ જે જગ્યા પર તેને ચોરી કરી હતી તે જ ખાતામાં રહેતો હતો. બીજો કૈલાશકુમાર મેઘવાલ છેલ્લા બે મહિનાથી હીરાના ધંધા સાથે જોડાયેલો હતો.