કાપોદ્રામાં બાળકોને રમવા બાબતે મોટી બબાલ, મહિલાને ઘરમાં ઘૂસી વાળ ખેંચી-ઢસડીને માર માર્યો

અમિત રુપાપરા, સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં બાળકોને રમવા બાબતે થઈ હોવાની વાતને લઈને મહિલાને ઘરમાં ઘૂસી એક વ્યક્તિએ ઢોર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સોસાયટીમાં જ રહેતા વ્યક્તિ દ્વારા મહિલાના ઘરમાં ઘૂસી તેને વાળ ખેંચી અને ઢસડીને માર માર્યો હોવાની ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી પ્રભુદર્શન સોસાયટીમાં રસીલાબેન મકવાણા પરિવાર સાથે રહે છે. રસીલાબેનનો દીકરો ઉદય અક્ષિત નામના બાળક સાથે રમતો હતો. તે સમયે અક્ષિત અને ઉદયને કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ બાબતે અક્ષિતના માતા મયુરીબેન ઉદયના માતા રસીલાબેનને આ બાબતે ઠપકો આપવા માટે ગયા હતા. તે સમયે રસીલાબેન મકવાણા અને મયુરીબેન ખતરાણીને ઝઘડો થયો હતો અને મયુરીબેન રસીલાબેનને ધમકી આપીને ચાલ્યા ગયા હતા કે હવે હું મારા પતિને તમારા ઘરે મોકલું છું.

ત્યારબાદ મયુરીબેનનો પતિ બળદેવ ખતરાણી રસીલાબેનના ઘરે ગયો હતો અને બાળકોએ માથાકૂટ ગંભીર સ્વરૂપે પહોંચી ગઈ હતી. મયુરીબેનના પતિ બળદેવ ખતરાણીએ રસીલાબેનને તેમના જ ઘરમાં ઘૂસીને વાળ પકડી તેમજ જમીન પર ઢસડીને માર માર્યો હતો અને અપશબ્દો પણ કહ્યા હતા. તો ઘરમાંથી બૂમાબૂમનો અવાજ આવતા આસપાસના સ્થાનિક લોકો ઘરમાં દોડી ગયા હતા અને લોકોએ નજરે જોયું હતું કે, બળદેવ ખતરાણી રસીલાબેન મકવાણાને રૂમમાં ઢસેડીને માર મારી રહ્યો છે. તેથી લોકો દ્વારા રસીલાબેનને બચાવી લેવામાં આવ્યા હતા.

ત્યારબાદ લોકોએ આ બળદેવ ખતરાણીને પણ મેથીપાક ચખાડ્યો હતો અને બીજી તરફ રસીલાબેન મકવાણા દ્વારા સમગ્ર મામલે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સોસાયટીના લોકો દ્વારા માર મારતો હતો તેના વીડિયો મોબાઇલમાં કેપ્ચર કરી લીધા હતા અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તો બીજી લોકો દ્વારા તરફ બળદેવ સામે કડકમાં કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી રહી છે.