ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ; બે લોકોની ધરપકડ, ત્રણ ફરાર

સુરતઃ ગુજરાતમાં નશીલો પ્રદાર્થ ઘુસાડવાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરત ગ્રામ્ય LCB, SOG અને પેરોલ ફરલો ટીમે સંયુકત કાર્યવાહી હાથ ધરી હતી અને આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે.
મુંબઈથી અમદાવાદ તરફ વનસ્પતિજન્ય ગાંજો ભરેલી ટ્રક ગુજરાતમાં આવવાની બાતમી મળી હતી. ત્યારે બાતમીને આધારે નેશનલ હાઇવે 48 પર વોચ રાખવામાં આવી રહી હતી. બાતમીવાળી ટ્રક આવતા પોલીસે ટ્રક અટકાવી ટ્રકનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે અલગ અલગ બોરીમાંથી 7,46,990 લાખ કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે ગાંજો, ટ્રક મળી કુલ 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે ટ્રક ડ્રાયવર સંજય બિસ્વાલ અને કાલીયા પ્રધાનની ધરપકડ કરી છે. જ્યારે ગાંજો મોકલનારો, લેનારો અને અન્ય એક મળી કુલ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ગાંજો ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવાનો હતો.