November 18, 2024

Surat: લગ્નના ફોર્મ પર સહી નહીં કરે તો ગ્રીષ્માની જેમ મારી નાંખીશ

અમિત રૂપાપરા, Surat: સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા કાંડ જેવી ઘટના સામે આવી છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવવી યુવતીને ભારે પડી છે. ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. એક રત્નકલાકારે યુવતીને ફોર્મ પર સહી નહીં કરે તો ગ્રીષ્માની જેમ જ મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બળજબરી પૂર્વક વકીલની ઓફિસે લઈ જઈ કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરાવી અને સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કર્યા હતા. યુવતી દ્વારા ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા રત્નકલાકારની ધરપકડ કરવામાં આવી છે.

વર્તમાન સમયને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ ગણવામાં આવે છે. ત્યારે દુનિયામાં બેસેલા કોઈપણ વ્યક્તિ સાથે હવે વ્યક્તિ સોશિયલ મીડિયાની અલગ અલગ એપ્લિકેશનની મદદથી મિત્રતા કરી શકે છે અને તેની સાથે વાતચીત કરી શકે છે. જો ટેકનોલોજીનો સદુપયોગ કરવામાં આવે તો ઘણી ફાયદાકારક છે પરંતુ ઘણા લોકો આ ટેકનોલોજીનો ઉપયોગ લોકોને હેરાન પરેશાન કરવા માટે કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે.

રત્નકલાકાર જતીન ગજેરાને સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતી સાથે સંપર્ક થયો હતો. instagram પર પહેલા જતીન અને યુવતી બંને વાતચીત કરતા હતા દોઢ વર્ષ અગાઉ યુવતી અને જતીનને instagram પર વાતચીત થઈ હતી. ત્યારબાદ બંને એકબીજા સાથે મોબાઈલ નંબરની આપ લે કરી હતી અને પછી બંને whatsapp પર વાત કરતા હતા.

બંને વચ્ચે સારી મિત્રતા થયા બાદ જતીનના કહેવાથી યુવતીએ પોતાના કેટલાક ફોટો જતીનના whatsapp પર મોકલ્યા હતા. ત્યારબાદ જતીને યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી હતી પરંતુ યુવતીએ લગ્નની ના પાડી. એટલે તે યુવતીનો પીછો કરી તે યુવતીને હેરાન પરેશાન કરવા લાગ્યો. જતીન યુવતીને એનકેન પ્રકારે પરેશાન કરતો હતો અને તેનો પીછો પણ કરતો હતો. ત્યારે જતીને યુવતીને વરાછા વિસ્તારમાં આવેલા કામનાથ મહાદેવના મંદિરે બોલાવી હતી અને પછી પોતાની સાથે કોર્ટ મેરેજ કરવા જણાવ્યું હતું.

યુવતી જતીન સાથે લગ્ન કરવા માગતી ન હતી. તેથી તેને ચોખ્ખી ના પાડી દેતા જતીન રોષે ભરાઈ ગયો હતો અને યુવતીને ધમકી આપી હતી કે હું ફેનીલનો ભાઈ જ છું અને ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ. આ ઉપરાંત જતીને યુવતીને તેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ જતીન યુવતીને એક વકીલની ઓફિસે લઈ ગયો હતો અને જ્યાં કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરાવી બંને ફોટા પાડ્યા હતા. આ ફોટાને જતી ને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા હતા. જતીનની આ પ્રકારની કરતુતના કારણે યુવતી હેરાન પરેશાન થઈ હતી અને અંતે તેના કાકાને આ બાબતે જાણ કરી હતી. ત્યારબાદ કાકાની મદદથી યુવતીએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જતીન સામે ફરિયાદ નોંધાવી હતી અને ચોકબજાર પોલીસે જતીન સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.