July 4, 2024

પ્રથમ વરસાદે રાંદેરનો કોઝવે ઓવરફ્લો, ભયજનક સપાટી વધતા પોલીસ બંદોબસ્ત

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં પ્રથમ વરસાદે જ રાંદેરમાં આવેલો વિયર કમ કોઝવે ઓવરફ્લો થયો છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે અને કોઝવે ઓવરફ્લો થતાં તાપી નદીમાં નવા નીર આવ્યાં છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જે હાલમાં 6.63 મીટર પર આવી પહોંચી છે. કોઝવેના કેચમેન્ટ એરિયા અને જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે સુરતનો કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જ્યાં સુરક્ષા અને સલામતીના ભાગરૂપે કોઝવે પણ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. પ્રથમ વરસાદમાં સુરતનો રાંદેર સ્થિત વિયર કમ કોઝવે સંપૂર્ણ ઓવરફ્લો થયો છે. ગત રોજથી તંત્ર દ્વારા કોઝવે માર્ગ વાહન-વ્યવહાર માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. જ્યાં હાલ કોઝવેની સપાટી 6.63 મીટર પર પહોંચી જતા કોઝવેનો માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે.

કોઝવેના કેચમેન્ટ એરિયા અને જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે તાપી નદીમાં નવા નીર આવ્યા છે. જ્યાં તાપી નદીના તટે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોઝવે ઓવરફ્લો થતા પાણીનો ઘસમસતો પ્રવાહ સૂર્યપુત્રી તાપી નદીમાં વહેતો જોવા મળી રહ્યો છે. જ્યાં પ્રથમ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થતાં કોઝવેનો નજારો માણવા લોકો તાપી તટે આવી રહ્યા છે. જે લોકોને રોકવા કોઝવે પર પોલીસ અને હોમગાર્ડના જવાનોને તહેનાત કરવામાં આવ્યાં છે.