June 30, 2024

સુરતમાં પાંચ દિવસ બાદ વરસાદ, શહેરીજનોને ગરમીમાંથી છૂટકારો મળ્યો

સુરતઃ શહેરમાં ધોધમાર વરસાદનો માહોલ જામ્યો છે. ત્યારે લાંબા સમયથી સુરતવાસીઓ ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા પાંચ દિવસથી વરસાદની ગેરહાજરી જોવા મળી હતી. ત્યારે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો છે.

છેલ્લા પાંચ દિવસથી ભારે ઉકળાટ પડી રહ્યો હતો. ત્યારે વરસાદની હેલી વરસતા જ શહેરીજનોને ભારે બફાટમાંથી છૂટકારો મળ્યો હતો. ધોધમાર વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને રાહત મળી હતી.

આ પણ વાંચોઃ રાજ્યના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 13 જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ છવાયો છે.

સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે રાજ્યના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો 13 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ડાંગ, વલસાડ, સુરત, આણંદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, મોરબી, કચ્છમાં પણ યલો એલર્ટ આપ્યું છે.

આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં

24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 15 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 99 જેટલા તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં વરસ્યો છે. ત્યાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા અને જળબંબાકાર જેવી સ્થિતિ પેદા થઈ હતી.