January 19, 2025

હર્ષ સંઘવી અને પોલીસ વડાની અધ્યક્ષતામાં મંથલી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, થઈ આ ચર્ચા

અમિત રૂપાપરા, સુરત વડોદરા, અમદાવાદ રાજકોટ સહિત અલગ અલગ જિલ્લા રેન્જ આઇજીઓ જોડે રાજ્ય પોલીસ વડાએ બેઠક કરી હતી. અઠવાલાઇન્સ સ્થિત પોલીસ કમિશ્નર કચેરીએ રાજ્ય ગૃહમંત્રી અને પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલી મંથલી ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્ય મહાનગરોના પોલીસ કમિશનરો સહિત જિલ્લા રેન્જ આઇજીની હાજરી જોવા મળી હતી. જે ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્ય ગૃહમંત્રીએ મહત્વની ચર્ચા કરી જરૂરી સૂચનો પોલીસ અધિકારીઓને આપ્યા હતા.

ગૃહમંત્રીએ અભિનંદન પાઠવ્યા
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમ જ પોલીસ વિભાગમાં શું સુધારા વધારા કરી શકાય તે અંગેની ખાસ મંથલી ક્રાઇમ કોન્ફરન્સ સુરત ખાતે યોજાઇ હતી. દર મહિનાની જિલ્લા લેવલે યોજાતી મંથલી ક્રાઇમ કોન્ફરન્સ રાજ્ય પોલીસ વડાની ઉપસ્થિતિમાં યોજાય છે. જે અન્વયે આજરોજ સુરત પોલીસ કમિશનર કચેરીએ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આ મહત્વની મંથલી ક્રાઈમ કોન્ફરન્સ મળી હતી. જે કોન્ફરન્સમાં અમદાવાદ, વડોદરા રાજકોટ અને સુરત સહિત અલગ અલગ જિલ્લાના રેન્જ આઈ.જી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં રાજ્ય ગૃહ મંત્રી દ્વારા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશંસા પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. એટલું નહીં પરંતુ ઉચ્ચ અને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગૃહ મંત્રીએ આવા પોલીસ અધિકારીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ પણ વાંચો: મહાકુંભમાં હવે બ્લિંકિટની એન્ટ્રી, ભક્તોને પૂજાની સામગ્રી મળશે સરળ

વિશેષ ચર્ચા કરવામાં આવી
મહત્વનું છે કે દર મહિનાની મંથલી ક્રાઈમ કોન્ફરન્સ થકી જે તે જિલ્લા અને શહેરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અંગેનો ચિતાર રાજ્ય પોલીસ વડા દ્વારા મેળવવામાં આવે છે. જે અન્વયે સુરત ખાતે આ મંથલી ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. મંથલી ક્રાઈમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા અલગ અલગ શહેર અને જિલ્લાના પોલીસ કમિશનરો અને રેન્જ આઇ.જી અધિકારીઓને રાજ્ય ગૃહ મંત્રી દ્વારા મહત્વના સૂચનો પણ કરવામાં આવ્યા હતા. જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પર ભાર આપવા માટે પણ તેઓ દ્વારા સૂચન કરાયું હતું. આ સાથે જ પોલીસ વિભાગમાં હજી કયા સુધારા અને વધાર કરવા તેની પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ક્રાઈમ કોન્ફરન્સ બાદ રાજ્ય ગૃહમંત્રી દ્વારા રાજ્યના પોલીસ વડા સહિત અલગ અલગ જિલ્લા અને શહેરના પોલીસ અધિકારીઓ જોડે પણ ફોટોશૂટ કરાવ્યું હતું.