January 22, 2025

ભાજપના નેતાએ 68 લાખના ચેક લખાવ્યાં, પોલીસ ફરિયાદ લેતી નથીઃ બિલ્ડર

અમિત રુપાપરા, સુરતઃ શહેરના ગોડાદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતા અને હાલના કોર્પોરેટર દ્વારા ઓફિસે જઈ અપહરણ કર્યા બાદ 68 લાખના ચેક લખાવી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ બિલ્ડર દ્વારા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, બિલ્ડર પાસેથી કોર્પોરેટર દ્વારા ફોર વ્હીલ કાર પણ કબ્જે લેવામાં આવી હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. બિલ્ડર દ્વારા સીસીટીવી ફૂટેજ સાથેના પુરાવા ગોડાદરા પોલીસને સોંપવામાં આવ્યાં છે. પોલીસ રાજકીય દબાણવશ ફરિયાદ ન લેતી હોવાનો પણ આરોપ મૂકાયો છે. જ્યારે પોલીસનું કહેવું છે કે, બિલ્ડર લેખિતમાં અરજી આપવા માટે તૈયાર નથી. રૂપિયાની લેવડદેવડનો મામલો હોવાથી પ્રાથમિક તપાસ કરવી જરૂરી છે.

સુરતમાં ભાજપ નેતા અને હાલના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત વિવાદમાં આવ્યા છે. કોર્પોરેટર સામે ગોડાદરાના બિલ્ડરે ગંભીર આક્ષેપો કર્યા છે. ગોડાદરાની ઓફિસમાં ગોંધી રાખી બળજબરીપૂર્વક 68 લાખના ચેક પણ લખાવી લેવામાં આવ્યા હોવાની વાત બિલ્ડર દ્વારા કરવામાં આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારના બિલ્ડર પ્રમોદ ગુપ્તા દ્વારા આ ગંભીર આક્ષેપો ભાજપ નેતા અને કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત સામે કરવામાં આવ્યા છે.

પ્રમોદ ગુપ્તાએ જણાવ્યું છે કે, સુમિત ગોયંકા નામના શખ્સ જોડે તેમની નાણાકીય લેવડદેવડ થઈ હતી. આ અંગે ડાયરીની માયાજાળમાં બિલ્ડર ફસાયો હતો. આ દરમિયાન દુકાન અને નાણાકીય લેવડ-દેવડ મામલે સ્થાનિક નગરસેવક અમિતસિંહ રાજપૂત સાથે વિવાદ ચાલી આવ્યો હતો. ડાયરીના કારણે નવ જેટલી દુકાનો પણ લખી આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં વધુ 95 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. અમિત રાજપુત અને તેના મળતિયાંઓ ઓફિસે ઘસી આવ્યા હતા અને ઓફિસમાં ફજેતો કર્યો હતો.

ત્યારબાદ કારમાં બેસાડી ગોડાદરા ખાતેની ઓફિસે લઈ જઈ બળજબરીપૂર્વક 68 લાખના ચેક લખાવી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ બેગમાં રહેલા એક લાખ રૂપિયા જેટલી રકમ પણ લૂંટી લેવાઈ હતી. જ્યારે ચેક અને પ્રોમિસરી નોટ પણ લખાવી લેવામાં આવી હતી. ત્યારબાદ ગોડાદરા પોલીસ મથકે રજૂઆત કરવા છતાં પણ ફરિયાદ લેવામાં આવી નહોતી. સાંજે આઠ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી પોલીસ દ્વારા ફરિયાદ લેવાની દરકાર સુદ્ધા દાખવવામાં આવી નહોતી. અમિત રાજપુત અને તેની ટોળકી આ પ્રમાણે ખંડની વસૂલી લોકોને હેરાન-પરેશાન કરી રહ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ બિલ્ડર દ્વારા પોલીસને સોંપવામાં આવ્યા છે. જે સીસીટીવી ફૂટેજમાં કોર્પોરેટર અમિત રાજપુત અને તેના માણસો નજરે પડી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે, રૂપિયાની લેવડ-દેવડનો મામલો છે. અરજી આપશે તો તપાસ કરી પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ બિલ્ડર દ્વારા હાલ કોઈ અરજી આપવામાં આવી નથી. તો બીજી તરફ, રાજકીય વગ ધરાવતા અમિત રાજપુતથી પોતાની જાતને ખતરો હોવાનું કહીને બિલ્ડર દ્વારા પોલીસ પાસે પ્રોટેક્શન પણ માગવામાં આવ્યું હતું. તેથી પોલીસે હાલ બિલ્ડરને પ્રોટેક્શન પ્રોવાઈડ કર્યું છે.

બિલ્ડર દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, અગાઉ અમિત રાજપૂત દ્વારા તેની પાસેથી 35 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. ઓફિસો પણ પોતાના નામે લખાવી લેવામાં આવી છે. છતાં પણ અમિત રાજપૂત દ્વારા વધારે પૈસાની માગણી કરવામાં આવી રહી છે. એવા પણ આક્ષેપ બિલ્ડરે કર્યા છે કે, અમિતસિંહ રાજપુત જન સંપર્ક કાર્યાલય ખાતે આ જ પ્રકારના હવાલાઓ લેવામાં આવી રહ્યા છે અને જનતાના સેવાના નામે બની બેઠેલા રાજનેતાઓ આ પ્રકારે ઉઘરાણી કરી રહ્યા છે.