December 21, 2024

સુરતમાં ગણેશ વિસર્જનને લઈને જાહેરનામું – ચાર કરતાં વધુ પૈડાનાં વાહનો પર પ્રતિબંધ

સુરતઃ શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાને લઈને જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, વિસર્જન યાત્રામાં ચાર કરતાં વધુ પૈડાનાં વાહનોમાં પ્રતિમા લઈ જવા દેવામાં આવશે નહીં.

જાહેરનામા પ્રમાણે, બળદગાડું, ઊંટગાડી, હાથી કે ટ્રેલરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ગણપતિ વિસર્જન બાદ બે દિવસમાં તમામ મંડપો દૂર કરવા પડશે. ઉલ્લેખનીય છે કે, આગામી 17મી સપ્ટેમ્બરના દિવસે ગણેશ વિસર્જન યાત્રા યોજાશે.

વિસર્જન યાત્રામાં કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે માટે તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ, કલેકટર અને પાલિકા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ ઉપરાંત જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, ‘વિસર્જન યાત્રા દરમિયાન શોભાયાત્રામાં ધાર્મિક ભજન સિવાય અન્ય કોઈ સંગીત કે ફિલ્મી ગીતો વગાડી શકાશે નહીં. જાહેર રસ્તા પર રાહદારીઓને કોઈપણ પ્રકારનો પાવડર કે ગુલાલ ઉડાડી શકાશે નહીં. માટી, પીઓપી અને ફાઇબરની પ્રતિમાઓને નદી કે તળાવમાં વિસર્જિત કરી શકાશે નહીં.’

તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘પરમીટ સિવાયના અન્ય રોડ પર વિસર્જન યાત્રા કાઢી શકાશે નહીં. જાહેર માર્ગ પર સામાન્ય લોકોને અડચણરૂપ નહીં થાય તેની તકેદારી રાખવી પડશે. આ જાહેરનામાનો ભંગ કરનારા સામે કલમ 223 મુજબ કાયદાકીય પગલાં લેવામાં આવશે.’