December 17, 2024

Suratમાં ફૂટપાથ પર સૂવા બાબતે યુવકને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ ફૂટપાથ પર સૂવા બાબતે થયેલા ઝઘડામાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં હત્યાના ગુનામાં ભાગતા ફરતા આરોપીને વરાછા પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આરોપી પાસે ન તો મોબાઈલ હતો કે ન તો કોઈ અન્ય ગેજેટ પરંતુ પોલીસે માત્ર આરોપીના ફોટા અને નામના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોમ્બે માર્કેટના ગેટ નંબર 4 સામે મહારાણા પ્રતાપ નગર પાસે જાહેરમાં દેવ આશિષ બેહરા નામના વ્યક્તિની હત્યા શ્યામલાલ નામના ઈસમ દ્વારા કરવામાં આવી હતી. ચપ્પુના ઘા ઝીકીને શ્યામલાલ દ્વારા દેવઆશિષની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઇ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના પરિવારને સ્માર્ટ મીટરમાં આવ્યું 6 લાખ બીલ, માસિક આવક 20 હજાર!

આ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવા માટે સુરતની વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ આ તપાસમાં જોડાઈ હતી. ત્યારે આરોપીને શોધવો ખૂબ જ અઘરો હતો. કારણ કે, આરોપી શ્યામલાલ પાસે મોબાઈલ ન હતો. માત્ર તેના નામના આધારે તેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી.

ત્યારે આરોપીને શોધવા માટે વરાછા પોલીસની ટીમો દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસની અલગ અલગ ટીમોએ 175 કરતાં વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. આ ઉપરાંત 45થી વધુ અવાવરું જગ્યા, 27થી વધારે ઝૂંપડપટ્ટી 18થી વધારે પાર્કિંગ, 10થી વધારે મિલ કમ્પાઉન્ડ, 22 બગીચા, 9 રેન બસેરા, ફ્રીમાં ભોજન આપવામાં આવતું હોય તેવી 7 જગ્યા, રેલવે સ્ટેશન બસ સ્ટેશન 17થી વધારે મંદિર પ્લેસ અને 14થી વધારે ઓવરબ્રિઝની નીચે આરોપીની શોધખોળ માટે તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સિંહો સહિત વન્ય પ્રાણીઓ માટે જંગલમાં પાણીની વ્યવસ્થા, નવા 17 પોઇન્ટ બનાવ્યાં

આ ઉપરાંત પોલીસ દ્વારા અલગ અલગ વારે ભરાતી બજારો તેમજ 32 ભંગારની દુકાન, 8થી વધારે પર્સની હોલસેલની દુકાનો 14થી વધારે ચા-નાસ્તાની દુકાન ઉપર આરોપીની શોધખોળ કરવામાં આવી હતી. યોગી ચોક નજીક કિરણ ચોક પાસે શનિવારી બજારમાં આરોપીની ચોર તરીકેની ઓળખ આપીને શ્યામલાલનો ફોટો બતાવવામાં આવ્યો હતો. ત્યારે કેટલાક લોકો દ્વારા શ્યામલાલને ઓળખી બતાવવામાં આવ્યો હતો અને જ્યારે શ્યામલાલ આ બજારમાં ફરતો હતો ત્યારે લોકોએ પોલીસને માહિતી આપતા પોલીસે તાત્કાલિક અસરે શ્યામલાલને ઝડપી પાડ્યો હતો.

શ્યામલાલે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેને મૃતક દેવઆશિષ સાથે ફૂટપાથ પર રાત્રીએ સૂવા બાબતે ઝઘડો થયો હતો અને તે જ સમયે તેને રોષે ભરાઈને દેવઆશિષને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી તે ભાગી ગયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.