December 22, 2024

સુરતમાં ઇકો મોલનું આયોજન, મળશે ઘણી વન્ય વસ્તુઓ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના સૌપ્રથમ ‘ઈકો મોલ’માં સુરતવાસીઓ વાંસનું ફર્નિચર, વનનું કુદરતી મધ, આમળાં પાઉડર, ક્રાફ્ટ, ઓર્ગેનિક દાળ, રાઈસ જેવી અવનવી ચીજવસ્તુઓ ઘરઆંગણે ખરીદી શકશે. વનમંત્રીના હસ્તે વનભવન પરિસરમાં વિઘ્નહર્તા ગણેશજી મંદિરમાં મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી.

ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટ્સના વેચાણ માટે અડાજણ સ્થિત વન ભવનમાં વન વિભાગ નિર્મિત ઈકો મોલને વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ખૂલ્લો મૂક્યો હતો. સુરતના સૌપ્રથમ ઈકો મોલમાં સુરતવાસીઓ વાંસનું ફર્નિચર, વનનું કુદરતી મધ, આમળાં પાઉડર, ક્રાફ્ટ, ઓર્ગેનિક દાળ, રાઈસ જેવી અવનવી ચીજવસ્તુઓ ઘરઆંગણે ખરીદી શકશે. વનમંત્રીના હસ્તે વનભવન પરિસરમાં વિઘ્નહર્તા ગણેશજી મંદિરમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

સુરત વન વિભાગ હેઠળ કાર્યરત માંડવી ખાતેના ‘વિસડાલીયા કલસ્ટર’ હેઠળ વન વિભાગ વનસંપદાના જતન અને સંવર્ધન સાથે વનક્ષેત્રમાં લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે. વનવ્યવસ્થા સહભાગી મંડળી, સ્વસહાય જૂથો બનાવીને વનરક્ષણ સાથે સ્વરોજગારી પૂરી પાડી આદિવાસીઓને પરંપરાગત વ્યવસાયની તાલીમ પણ આપે છે, ત્યારે વિસડાલીયા ક્લસ્ટરના કારીગરો દ્વારા નિર્મિત ચીજવસ્તુઓ પણ અહીં ઉપલબ્ધ બનશે.

નોંધનીય છે કે, વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારના કુશળ નાગરિકોને ટેક્નિકલ અને કુદરતી ખેતીની તાલીમ આપીને ખેડૂતોના ઉત્પાદનોનું વેલ્યુ એડિશન કરીને સારા ભાવ મળે તે માટે વન વિભાગ દ્વારા ઇકો મોલ થકી માર્કેટ પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. સ્વરોજગારી સાથે આર્થિક સમૃદ્ધિની દિશામાં આ મહત્વનું પગલું છે.

આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક (સુરત વર્તુળ) ડો. કે. શશીકુમાર, નાયબ વનસંરક્ષક(સુરત વન વિભાગ) આનંદ કુમાર એસ., તાપીના નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયર નાયબ વનસંરક્ષક (સામાજિક વનીકરણ-સુરત) સચિન ગુપ્તા સહિત વન વિભાગના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.