પૂનમ પાંડે માટે પદયાત્રા! મુંબઈથી PMO સુધી ચાલતા જશે આ શખ્સ
સુરતઃ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પૂનમ પાંડેએ પોતાનું મોત સર્વાઇકલ કેન્સરથી થયું હોવાનો એક સ્ટંટ કર્યો હતો. ત્યારબાદ પૂનમ પાંડે સામે અલગ અલગ લોકો દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. જો કે, પૂનમ પાંડે સામે પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે ફરિયાદ કરનારા એક વ્યક્તિ ફૈઝાન અન્સારી દ્વારા મુંબઈથી દિલ્હી સુધીની પદયાત્રા શરૂ કરવામાં આવી છે. તેમની માગણી છે કે, પોલીસ દ્વારા પૂનમ પાંડેની ધરપકડ કરવામાં આવે અથવા તો પૂનમ પાંડે દ્વારા કોઈપણ એવી સંસ્થા કે જે કેન્સરના દર્દીઓ માટે કામ કરે છે તેમને એક કરોડ રૂપિયાનું દાન આપવામાં આવે આ માગણીને લઈને ફૈઝાન દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ મુંબઈથી પદયાત્રા શરૂ કરવામાં આવી છે અને દિલ્હી PMOમાં જઈને આ પદયાત્રા પૂરી કરી ફૈઝાન પૂનમ પાંડે સામે કાર્યવાહીની માગણી કરશે.
બોલીવૂડની વિવાદાસ્પદ અભિનેત્રી પૂનમ પાંડેએ મોતના સમાચાર ફેલાવ્યા હતા. પૂનમ પાંડેના મોતનું કારણ સર્વાઇકલ કેન્સર આપવામાં આવ્યું હતું. પૂનમ પાંડેએ મોતના સમાચાર ફેલાવ્યા બાદ 24 કલાક પછી જ તેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જીવિત હોવાનું જણાવ્યું હતું અને આ બધું તેને કેન્સર જાગૃતિ માટે કર્યું હોવાનું કહ્યું હતું. જો કે, પૂનમ પાંડેના સોશિયલ મીડિયામાં ફેમસ થવાના બાદ લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયામાં ખોટા સમાચાર ફેલાવવા બદલ પૂનમ પાંડે વિરુદ્ધ ત્રણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં એક ફરિયાદ ફૈઝાન અન્સારી દ્વારા કરવામાં આવી હતી. ફૈઝાને કાનપુર પોલીસ સ્ટેશનમાં પૂનમ પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેની ધરપકડ કરવાની માગણી કરી હતી. જો કે, ફરિયાદ બાદ પણ પૂનમ પાંડેની ધરપકડ ન થતા ફૈઝાન હવે આ મુદ્દે લડી લેવાના મૂળમાં છે અને તેને મુંબઈથી પદયાત્રા શરૂ કરી છે અને તે દિલ્હી PMOમાં પૂનમ પાંડેની ધરપકડ કરવામાં આવે તેવી રજૂઆત કરવા માટે જઈ રહ્યો છે.
ફૈઝાને 24 ફેબ્રુઆરીના રોજ મુંબઈથી પદયાત્રા કરી હતી અને તે 3 માર્ચે સુરત પહોંચ્યો હતો. જ્યાં રસ્તામાં તેની તબિયત ખરાબ થઈ જતા તેને સુરતની હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ તેને ફરી પોતાની પદયાત્રા દિલ્હી પીએમઓ સુધી જવા માટે શરૂ કરી છે.
ફૈઝાન અન્સારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પૂનમ પાંડે દ્વારા સર્વાઇકલ કેન્સર બાબતે જે સ્ટંટ કરવામાં આવ્યો છે તે ખૂબ જ ધૃણાસ્પદ છે. આનાથી નાની ઉંમરે સર્વાઇકલ કેન્સર સામે લડી રહેલા દર્દીઓમાં એક ડરનો માહોલ જોવા મળ્યો છે. જેથી કરી પૂનમ પાંડે સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે અથવા તો પૂનમ પાંડે દ્વારા જે ભૂલ કરવામાં આવી છે તે ભૂલ બદલ પૂનમ પાંડે કોઈ પણ કેન્સર હોસ્પિટલ અથવા તો કેન્સરના દર્દીઓની સારવાર કરતી સંસ્થાને એક કરોડ રૂપિયા આપે.