જેકે સ્વામી સામે સુરતમાં બીજી ફરિયાદ, છેતરપિંડી કરી પૈસા પડાવ્યાં
અમિત રુપાપરા, સુરતઃ જૂનાગઢ સ્વામિનારાયણના મંદિરના મહંત જેકે સ્વામી સામે સુરતમાં બીજી ફરિયાદ દાખલ થઈ છે. અગાઉ સુરતના એક ડોક્ટર દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં જેકે સ્વામી અને તેના સાગરીતો સામે મંદિર બનાવવાના નામે છેતરપિંડી કરી પૈસા પડાવ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે હવે સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે જેકે સ્વામી અને તેના સાગરીતો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જેકે સ્વામી અને તેમની ટોળકીય રીંઝા ગામમાં સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળનો પ્રોજેક્ટ બનાવી ટ્રસ્ટી તરીકેનો હોદ્દો આપીને ગુરુકુળ અને હોસ્ટેલનો વહીવટ કરવાની લાલચ આપીને સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજી પાસેથી એક કરોડ રૂપિયા લીધા હતા. ત્યારબાદ આ પ્રોજેક્ટમાં કોઈ મુશ્કેલી આવતા હિમાંશુ રાઉલજીએ પૈસા માગતા સ્વામી અને તેમની ટોળકી એ પૈસા ન આપતા આખરે પાણી સમિતિના ચેરમેન દ્વારા આ બાબતે સ્વામી અને તેના સાગરીતો સામે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હિમાંશુ રાઉલજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રીંઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે 700 વીઘા જમીનની ખરીદીના નામે તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમને 71 લાખ અને પિતા મિત્ર પાસેથી કુલ મળીને એક કરોડ રૂપિયા જેકે સ્વામી અને તેમના મળતીયાઓને જમીન ખરીદી માટે આપ્યા હતા. ત્યારબાદ વારંવાર આ પૈસાની માગણી કરવા છતાં પણ આ તમામે પૈસા આપ્યા ન હતા અને અંતે હિમાંશુ રાઉલજી દ્વારા આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપવામાં આવી હતી. અરજીમાં સુરેશ ભરવાડ, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, જુનાગઢ નીલકંઠ વરણી ડેવલોપર્સના પ્રોપરાઇટર ભરત પટેલ, અમદાવાદના અમિત પંચાલ, રમેશ પંચાલ, સુરતના પાર્થ અને અમદાવાદના મૌલિકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અરજી બાબતે તપાસ કરી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ આ સમગ્ર મામલે જયકૃષ્ણ સ્વામી સહિત તેમની તોળકીના આઠ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર વિવાદની જો વાત કરવામાં આવે તો ડિસેમ્બર 2014માં સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજીનો ફેસબુક થકી જમીન દલાલ મૌલિક પરમાર સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ મૌલિક અને પાર્થ દ્વારા હિમાંશુ રાવલજી સાથે મુલાકાત કરી તેમને જેકે સ્વામી અને તેના ભરત સાથે મિટિંગ કરાવી હતી. ત્યારબાદ તારાપુર નજીક આ ગામમાં પોઇચા જેવું નીલકંઠધામ બનાવવાની વાત સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ જેકે સ્વામીએ હિમાંશુને જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ બાબતે બાબા રામદેવ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. આ ઉપરાંત સિંગાપુરના હરિભક્તોનું ગ્રુપ પણ આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર છે.
જેકે સ્વામી દ્વારા હિમાંશુ રાઉલજીને જણાવવામાં આવ્યું હતું કે, સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ રીંઝા ગામે મૂકવામાં આવશે અને મંદિરના નામથી જમીન ખરીદી કરવામાં આવશે તો જમીનના ભાવ ખૂબ ઊંચા ચૂકવવા પડશે. એટલા માટે ખાનગી વ્યક્તિઓના નામે સૌપ્રથમ જમીન ખરીદવામાં આવી રહી છે. ત્યારબાદ તેના પર આ પ્રોજેક્ટ તૈયાર થશે તો બીજી તરફ જેકે સ્વામીએ મંદિર બનાવવામાં હિમાંશુ રાઉલજી દ્વારા જે ફંડ આપવામાં આવશે તે બાબતે તેમને ટ્રસ્ટી બનાવી વહીવટકર્તાનું સ્થાન આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.
જેકે સ્વામી દ્વારા હિમાંશુ રાઉલજીને જણાવવામાં આવ્યું હતું કે, ‘અમદાવાદના સુરેશ ભરવાડ રીંઝા ગામના ખેડૂતો પાસે સોદા ચિઠ્ઠી અને સાટાખત બનાવ્યો છે અને પ્રતિ વીઘા છ લાખ રૂપિયાનો સોદો કર્યો છે. આ ભાવે 700 વીઘા જમીનની ખરીદીનો એમઓયુ પણ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ જમીનનો સોદો કરવા માટે પાણી સમિતિના ચેરમેન મિત્ર સાથે સુરેશ ભરવાડને વટામણ હોટલમાં મળ્યા હતા અને ત્યાં જેકે સ્વામી અને તેના પીએ પાણી સમિતિના ચેરમેનને રૂબરૂ મળીને પ્રોજેક્ટમાં ટ્રસ્ટી બનાવવાનું જણાવી ઇન્વેસ્ટમેન્ટથી ફાયદો થવાની વાત જણાવી હતી.’
જેકે સ્વામી દ્વારા પૈસા લીધા બાદ કોઈ પ્રત્યુતર આપવામાં ન આવતા પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજી દ્વારા પૈસાની માગણી કરવામાં આવી હતી. પરંતુ સ્વામી પૈસા પરત આપતો ન હતો. તેથી આ બાબતે વડતાલ સ્વામિનારાયણ મંદિરના માધવ સ્વામી સુરત મુલાકાતે આવ્યા હતા. ત્યારે હિમાંશુ દ્વારા જેકે સ્વામીના કરતૂતની વાત માધવ સ્વામીને કરવામાં આવી હતી. માધવ સ્વામીએ મધ્યસ્થી રહીને મેટર પતાવવાનું જણાવ્યું હતું, પરંતુ માધવ સ્વામી ત્યાં મેટર ન પતતા અંતે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ થઈ છે.