December 27, 2024

સારા પગારે નોકરી આપવાની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ, રત્નકલાકારની ધરપકડ

Surat Diamond Worker promising job with good salary and misdemeanor with women

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક રત્નકલાકારે યુવતીને સારા પગારે નોકરી અપાવવાની લાલચ આપી તેની સાથે શારીરિક સુખ માણી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. જો કે, યુવતીએ રત્નકલાકારથી પીછો છોડાવવા માટે એક તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે અઢી લાખ રૂપિયા યુવતી પાસેથી પડાવ્યા હતા. ત્યારબાદ યુવતીએ પોલીસનો સંપર્ક કરતા આ મામલે પોલીસે ગુનો દાખલ કરી રત્નકલાકારની ધરપકડ કરી હતી. આ રત્નકલાકાર પરણીત હોવાનું સામે આવ્યું છે અને તેને સંતાનમાં એક દીકરો છે અને હાલ રત્નકલાકારની પત્ની પિયરમાં રહે છે.

સુરતના કામરેજ વિસ્તારમાં ભાવેશ બલદાણીયા નામનો કલાકાર તરીકે કામ કરતો હતો. ભાવેશને એક દિવસ બેંકમાંથી એક યુવતીનો લોન માટે ફોન આવ્યો હતો અને ત્યારબાદ રત્નકલાકાર ભાવેશે લોન લેવાની હા પાડી હતી. યુવતીને ડોક્યુમેન્ટ લેવા માટે બોલાવી હતી અને ત્યારબાદ યુવતી સાથે વાતચીત કરીને યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ રત્ન કલાકાર ભાવેશે યુવતીને સારા પગારની નોકરી અપાવવાનું કહીને તેને વરાછા પોલીસ સ્ટેશન સામે આવેલા મિલિયન હોટલમાં લઈ જઈ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ યુવતીના કેટલાક ફોટા પોતાના મોબાઈલમાં લીધા હતા અને ત્યારબાદ ફરીથી આ રત્નકલાકારે યુવતીને કામરેજ વિસ્તારમાં બોલાવી હતી નેકસા હોટલમાં લઈ જઈ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું.

આ પણ વાંચોઃ સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, ભાવ ઓલટાઇમ હાઈ

બે વખત રત્નકલાકાર ભાવેશે યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેના પિતરાઈ ભાઈ ચંદુ બલદાણીયાના નામથી યુવતીને મેસેજ કર્યો હતો અને આ મેસેજમાં તેને જણાવ્યું હતું કે, ભાવેશથી જો તારે છુટકારો મેળવવો હોય તો બીજી છોકરી તેને શોધી આપો અને ત્યારે યુવતીએ બીજી છોકરી શોધી આપવાની વાત પણ કરી હતી. છતાં ભાવેશ તેનો પીછો છોડતો ન હતો અંતે યુવતી તાંત્રિકના ચક્કરમાં ફસાઈ હતી અને વશીકરણના નામે તાંત્રિકે અલગ અલગ વિધિ કરવાના બહાને આ યુવતી પાસેથી 2.53 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા.

રત્નકલાકારથી છૂટવા માટે યુવતીએ તાંત્રિકનો સહારો લીધો પરંતુ તેને પૈસા ગુમાવવાનો વારો આવ્યો અને અંતે યુવતીએ સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં રત્નકલાકાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે ઉતરાણ પોલીસે છટકું ગોઠવીને રત્નકલાકાર ભાવેશ બલદાણીયાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત સમગ્ર મામલે પોલીસે ભાવેશ ઉપરાંત તેની બહેન જાગૃતિ, ભાઈ ચંદુ તાંત્રિક વિજય સામે પણ ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ પોલીસ તાંત્રિકને પકડવા માટે બોમ્બે માર્કેટ રાધાકૃષ્ણ મંદિર પાસે પણ ગઈ હતી પરંતુ આ તાંત્રિક પોતાના ઘરેથી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ પોલીસની ધરપકડ બાદ ભાવેશની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તે એક સંતાનનો પિતા છે અને ભાવેશની પત્ની હાલ તેનાથી દૂર પિયરમાં રહે છે.