April 1, 2025

સુરતમાં રત્નકલાકારોની હડતાલ… મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા, કતારગામ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો

Surat: હીરામાં તેમજ વેતનમાં 30 ટકાના વધારાની માગ સાથે રત્ન કલાકારોએ આજે હડતાળનું એલાન કર્યું છે. કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી રત્ન કલાકારો દ્વારા રત્નકલાકાર એકતા રેલીનું આયોજન કરાયું છે. પરંતુ રત્ન કલાકારોની રેલીને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. છતાં પણ રત્નકલાકારો હડતાળના મૂડમાં છે જેને લઈને કતારગામ દરવાજા ખાતે રત્ન કલાકારો એકઠા થાય તે પહેલા જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

મળતી માહિતી અનુસાર કતારગામ દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી રત્ન કલાકારો દ્વારા રત્નકલાકાર એકતા રેલીનું આયોજન કરાયું છે. ચાર દિવસ પહેલા પોલીસ પાસે રેલીની મંજૂરી મંગાઈ છતાં મંજૂરી આપવામાં આવી ન હતી. નોંધનીય છે કે, 30 ટકા પગાર વધારો તેમજ ભાવ વધારાની માગણી સાથે રત્ન કલાકાર હડતાલના મૂડમાં છે. આ સિવાય રત્નદીપ યોજના લાગુ કરવામાં આવે, વ્યવસાય વેરો નાબૂદ થાય અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને તેવી સરકાર સામે માગણી કરી છે.

આ પણ વાંચો: વહેલી સવારથી ચૈત્રી નવરાત્રિને લઈ શક્તિપીઠોમાં ભક્તોની ભીડ ઉમટી

ઉલ્લેખનીય છે કે, ડાયમંડ સીટી સુરત શહેરમાં રત્નકલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકારમાં રજુઆતો કરવા છતા પ્રશ્નનનો ઉકેલ ન આવતા  ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30મી માર્ચે સામુહિક હડતાળની જાહેરાત કરી હતી. જેને પગલે કલેકટર અને લેબર વિભાગે બેઠકો યોજી હતી, પણ સરકાર તરફથી બાદમાં કોઇ નિર્ણય નહી લેવાતા તા.30, 31 બે દિવસ હડતાળનો નિર્ણય લેવાયો છે. રવિવારે કતારગામથી હીરાબાગ સુધી રત્નકલાકારોની રેલી યોજી છે.