March 10, 2025

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીના માહોલથી રત્નકલાકારો મુશ્કેલીમાં, કલેક્ટર કચેરીએ આપ્યો હડતાલનો કોલ

અમિત રૂપાપરા સુરત: સુરતનો ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. તેવામાં રત્નકલાકારોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરી છે કે હીરા ઉદ્યોગમાં મજૂરીથી કામ કરતા રત્ન કલાકારોના પગારમાં અને ફિક્સ વેતન તરીકે કામ કરતા કલાકારોના પગારમાં 30 ટકા ભાવ વધારો કરવામાં આવે અને જો ભાવ વધારો નહીં થાય તો 30 માર્ચથી હડતાલનો કોલ આપશે.

સુરત શહેરનો ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે રત્નકલાકારોની પરિસ્થિતિ ખૂબ જ કફોળી બની છે. તો બીજી તરફ કેટલાક કારખાનેદારો દ્વારા રત્નકલાકારોની પરિસ્થિતિનો લાભ ઉઠાવીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. રત્ન કલાકારો દ્વારા રાજ્ય સરકાર પાસે અવારનવાર મદદની માગણી કરવામાં આવી રહી છે. તો કેટલાક રત્ન કલાકારોએ આ ઉદ્યોગને અલવિદા કહી દીધું છે અને તેઓ અન્ય ધંધા તરફ વળ્યાં છે. તો મંદીના કારણે રત્નકલાકારો આપઘાત કરતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે સુરત ડાયમંડ વર્કરના નેજા હેઠળ રત્ન કલાકારો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને વેતનમાં 30 ટકાનો વધારો કરવામાં આવે તેવી રજૂઆત જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી અને જો રજૂઆતનું નિરાકરણ નહીં આવે તો 30 માર્ચથી હીરા ઉદ્યોગમાં હડતાલનો કોલ રત્ન કલાકારો દ્વારા આપવામાં આવ્યો છે.

ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ટાંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રત્નકલાકારો હાલ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. તેવામાં રત્ન કલાકારોને પરિવારનો ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં રત્ન કલાકારોને આર્થિક મદદ મળી રહે તે માટે મજૂરીથી કામ કરતા રત્નકલાકારોને ભાવમાં 30 ટકા વધારો આપવામાં આવે અને ફિક્સ પગારમાં કામ કરતા રત્ન કલાકારનો પગાર 30 ટકા વધારવામાં આવે જો આવું નહીં થાય તો રત્ન કલાકારો દ્વારા 30 માર્ચથી હડતાલનું એલાન કરવામાં આવશે.

મહત્વની વાત છે કે, રત્ન કલાકારોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી આશા હતી કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બજેટમાં હીરા ઉદ્યોગ કે જે મંદિમાંથી પસાર થઈ રહ્યો છે તે ઉદ્યોગ માટે કંઈક જોગવાઈ કરવામાં આવશે પરંતુ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે માટે હીરા ઉદ્યોગ માટે એક પણ જોગવાઈ કરવામાં આવી નથી અને રત્ન કલાકારો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે. હાલ રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. કેટલાક રત્નકલાકાર તો ઘરનું ભાડું પણ ભરી શકતા નથી, તો કેટલાક રત્ન કલાકારો પરિવારનો ગુજરાન ચલાવવા માટે દિવસે કારખાને જાય છે અને રાત્રિના સમયે અન્ય ધંધા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે જે હીરા ઉદ્યોગે સુરતની ચમકમાં વધારો કર્યો છે અને સુરતને દેશ વિદેશમાં જાણીતું બનાવ્યુ છે તે જ હીરા ઉદ્યોગ હાલ મુશ્કેલીમાંથી પસાર થતો હોવાના કારણે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રત્ન કલાકારોની રજૂઆતોનું નિરાકરણ આવે તેવી રજૂઆત કરી હતી અને જો નિરાકરણ નહીં આવે તો 30 માર્ચથી હડતાલનું કોલ આપવામાં આવ્યો છે.