January 7, 2025

ડાયમંડ બુર્સને મોટો ફટકો, કોર્ટનો 125 કરોડની ગેરંટી 4 અઠવાડિયામાં જમા કરાવવા આદેશ

surat Diamond bourse court said to deposit bank guarantee 125 crore in 4 weeks

ડાયમંડ બુર્સ - ફાઇલ તસવીર

સુરતઃ તાજેતરમાં જ ઉદ્ઘાટન થયું હતું તેવા ડાયમંડ બુર્સને મોટો ફટકો પડ્યો છે. ત્યારે કોર્ટે 125 કરોડની બેન્ક ગેરંટી જમા કરાવવા માટે આદેશ કર્યો છે.

આગામી 4 અઠવાડિયામાં બેન્ક ગેરંટી જમા કરાવવા માટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત તેવો પણ આદેશ કર્યો છે કે, જ્યાં સુધી રૂપિયા જમા ન કરાવે ત્યાં સુધી એકપણ ઓફિસનું વેચાણ કે હરાજી નહીં થઈ શકે. તેટલું જ નહીં, એકપણ ઓફિસ ભાડે આપી શકશે નહીં.

સ્પેશિયલ કોમર્શિયલ કોર્ટે હુકમ કર્યો છે. કોર્ટે થર્ડ પાર્ટી રાઇટ્સ ઉભા કરવા માટે પણ મનાઈ ફરમાવી છે. બાંધકામ કરનારી કંપનીએ પૈસા બાકી હોવાનો દાવો કર્યો હતો. બાંધકામ કંપની પીએસપીએ 600 કરોડ રૂપિયા બાકી હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આ દાવા બાદ બુર્સ કમિટીએ કોર્ટમાંથી સ્ટે લીધો હતો.

પહેલા કોર્ટે 100 કરોડની ગેરંટી જમા કરાવવા આદેશ આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે, કોર્ટે આ પહેલાં પણ સુરતના ડાયમંડ બુર્સને 100 કરોડની બેન્ક ગેરંટી જમા કરાવવા માટે આદેશ આપ્યો હતો. હકીકતમાં ડાયમંડ બુર્સના ચાહકોએ બાંધકામની ચૂકવણી ન કર્યા પછી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગની બિલ્ડર PSP લિમિટેડ વિવાદનો વિષય બની ગઈ છે. એટલું જ નહીં, કંપનીએ કામ પૂર્ણ થયાના લાંબા સમય બાદ પૈસા ન ચૂકવવા બદલ કોર્ટ પાસે ન્યાય માંગ્યો છે.

વ્યાજ સહિત કુલ ક્લેમ 631 કરોડ રૂપિયા
કંપનીએ ડાયમંડ બુર્સ કેસ સંબંધિત આ માહિતી શેરધારકોની માહિતી માટે તેની વેબસાઇટ પર મૂકી છે. પીએસઆઈ લિમિટેડ કંપનીએ 538 કરોડનો કેસ દાખલ કર્યાની તારીખ સુધી ડાયમંડ બુર્સ પર વ્યાજ સહિત કુલ 631 કરોડનો દાવો કર્યો છે. એવી પણ ચર્ચા છે કે, ડાયમંડ બુર્સ શરૂઆતમાં ₹5000 ચોરસ ફૂટના ભાવે ઓફિસ વેચી હતી. બાદમાં તેણે કુલ 6 હરાજી કરીને કિંમતમાં વધારો કર્યો હતો અને અન્ય ઓફિસને 35000 પ્રતિ ચોરસ ફૂટના ઊંચા ભાવે વેચી હતી અને ભારે નફો કર્યો હતો. ડાયમંડ બુર્સ બનાવનારા અને ડાયમંડ બુર્સને દેશ-દુનિયામાં પ્રખ્યાત કરનારી પીએસસી કંપનીને ચૂકવણી કરવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ કંપનીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

‘ક્યારેય મોડી ચૂકવણી કરી નથી’
સુરત ડાયમંડ બુર્સ બાંધકામ સમિતિના કન્વીનર લાલજી પટેલે વીડિયો વાયરલ કરીને આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, ‘ડાયમંડ બુર્સનું બાંધકામ પીએસસી કંપનીને આપવામાં આવ્યું હતું. બાંધકામ નિયમો અને શરતો મુજબ જ શરૂ થયું હતું અને બાંધકામ માટેના પ્રમાણિત બીલ મળ્યા હોવાથી નાણાં સમયસર ચૂકવવામાં આવ્યા હતા. ક્યારેય કોઈ મોડી ચૂકવણી કરવામાં આવી ન હતી. જ્યારે જરૂરી હોય ત્યારે પીએસી કંપનીની વિનંતી પર એડવાન્સ ચૂકવણી પણ કરવામાં આવી છે. કોરોનાના સમયગાળા દરમિયાન તેમની વિનંતી હતી કે વધુ ચાર્જ આપવામાં આવે, પરંતુ કોરોના સમયગાળા દરમિયાન તમામ મજૂરોને ડાયમંડ બુર્સ દ્વારા ફૂડ પેકેટ, અનાજ અને પાણી આપવામાં આવ્યું હતું. અમે વધારાના ચાર્જની કંપનીની માંગ સાથે ક્યારેય સહમત થયા નથી, તેમની માંગ સંપૂર્ણપણે ખોટી છે.’

‘98% પૈસા ચૂકવવામાં આવ્યા છે’
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘કાયદેસર રીતે એકપણ રૂપિયો ચૂકવવાપાત્ર નથી. તેમના કાયદેસર રીતે મેળવેલા પ્રમાણપત્ર બિલ સામે 98% નાંણા ચૂકવવામાં આવ્યા છે. અમુક કામ બાકી છે, તે પ્રમાણિત થયા બાદ તેના 2 ટકા ડાયમંડ બુર્સ દ્વારા ચૂકવવામાં આવશે. હવે જો PSC કંપનીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે તો તેનો જવાબ અમારી લીગલ ટીમ આપશે.’