July 1, 2024

સુરત: જહાંગીરપુરામાં એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહો ઘરમાંથી મળી આવ્યા

સુરત: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહો મળી આવ્યા છે. જહાંગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના ઘરમાંથી મૃતદેહો મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ સામુહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણ તે જાણવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સુરતના જહાંગીરપુરાના મોટાભાગળ વિસ્તારમાં રાજહંસ કોઓપરેટીવ લિમિટેડ સોસાયટીના E બિલ્ડીંગમાં એક જ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ મોત થયા છે. જેમના મૃતદેહો આજે સવારે તેમના જ મકાનમાં મળી આવ્યા હતા. આ ચાર મૃતદેહોમાં ત્રણ મહિલા અને એક પુરુષ હોવાનું સામે આવ્યું છે. તમામ લોકોની ઉંમર 50 વર્ષ કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે. મૃતકના નામ જશુબેન કેશુભાઈ વાઢેર, ગૌરીબેન હીરાભાઈ મેવાડા, શાંતાબેન નાનજીભાઈ વાઢેર અને હીરાભાઈ રત્નાભાઇ મેવાડા હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનામાં મૃતક જશુબેન ગૌરીબેન અને શાંતાબેન સગી બહેનો છે. જશુબેન વાઢેર તેના નાના દીકરા અને પુત્રવધુ સાથે રહેતા હતા. પુત્ર અને પુત્ર વધુ ફરવા ગયા હતા. જોકે હાલમાં જહાંગીરપુરા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તમામ લોકો ગઈકાલે મુકેશભાઈ વાઢેર બિલ્ડીંગમાં રહે છે તેમના ઘરે જમવા ગયા હતા. ત્યારબાદ ઘરે આવીને સૂઈ ગયા હતા અને મોત નિપજ્યાં. જે બાદ સવારે ચારેય લોકો મૃત હાલતમાં ઘરમાંથી મળી આવ્યા હતા. તો બીજી તરફ પોલીસે ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. હાલમાં સમગ્ર મામલે પોસ્ટમોર્ટમ અને FSLની તપાસ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.

મૃતકોના નામ

1.જસુબેન કેશુભાઈ વાઢેર (55 થી 58 વર્ષ)
2.હીરાભાઈ રત્ના ભાઈ મેવાડા- (55 થી 60)
3.ગૌરી બેન હીરાભાઈ મેવાડા- (55)
4.શાંતાબેન નાનજી ભાઈ વાઢેર- (55)