ભરવાડ વચ્ચે થયેલી બબાલમાં ફાયરિંગ, ક્રાઇમ બ્રાન્ચે તપાસ ચાલુ કરી
સુરતઃ શહેરના સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ભરત કેન્સર હોસ્પિટલની સામેના રસ્તા પર એક ફાયરિંગની ઘટના સામે આવી હતી. ભરવાડ સમાજના લોકો વચ્ચે થયેલી બબાલમાં આ ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે સારોલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરત પોલીસ કંટ્રોલરૂમમાં સંગ્રામ ભરવાડ નામના વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, ભરત કેન્સર હોસ્પિટલ નજીક જાહેર રસ્તા પર કેટલાક ઈસમો તેમના પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે. કંટ્રોલરૂમને ફાયરિંગની માહિતી મળતા જ કંટ્રોલરૂમ દ્વારા આ બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ કંટ્રોલરૂમમાંથી જણાવ્યા અનુસાર, સારોલી પોલીસ ઘટના સ્થળ પહોંચી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ફરિયાદી સંગ્રામ ભરવાડ પર કારમાં આવેલા અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કર્યું હતું. આ મામલે ફરિયાદીએ પોલીસને જણાવ્યુ હતુ કે, એક વ્યક્તિના હાથમાં દેશી તમંચો હતો અને બીજાના હાથમાં ફટકો હતો. બે રાઉન્ડ ફાયરિંગની ઘટનાને લઈને પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક વિગત અનુસાર, ભરવાડ સમાજના લોકો વચ્ચે થયેલી બબાલમાં આ ઘટના બની હતી અને ઈજાગ્રસ્ત થયેલા ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ સુરત ઇન્ચાર્જ પોલીસ કમિશનરના આદેશ બાદ આ ફાયરિંગની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ કરી રહ્યું છે.