સુરત ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી, કુખ્યાત વાહનચોર ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડ
અમિત રુપાપરા, સુરતઃ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત અત્યાર સુધીમાં અનેક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે મધ્ય પ્રદેશના અલીરાજપુરની કુખ્યાત વાહન ચોર ગેંગના મુખ્ય સૂત્રધારને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે અલીરાજપુરની ઉમરેલી બજારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીનું નામ દિનેશ ઉર્ફે દીનુ મશાનીયા હોવાનું સામે આવ્યું છે અને તેની સામે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 27 ગુના નોંધાયા છે.
આ પણ વાંચોઃ ગુજરાત-રાજસ્થાનમાંથી ઝડપાઈ ડ્રગ્સની 3 ફેક્ટરી, 10 આરોપીની ધરપકડ
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, વાહન ચોરીના અનેક ગુનાઓમાં ભાગતો ફરતો આરોપી દિનેશ ઉર્ફે દીનું મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ફરી રહ્યો છે. ત્યારે બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્ય પ્રદેશના અલીરાજપુરના ઉમરેલી બજારમાંથી આરોપી દિનેશ ઉર્ફે દીનુ મશાનિયાની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેને સાગરીતો જયરામ બામણીયા, મુકેશ ચૌહાણ, વિકાસ ચૌહાણ, નરેશ કલેશ અને નજરીયા ઉર્ફે નજરૂ તોમાર સાથે મળીને સુરત શહેર તેમજ સુરત ગ્રામ્ય, છોટા ઉદેયપુરના અલગ અલગ વિસ્તારમાં વાહન ચોરીના ગુનાને અંજામ આપ્યો છે.
આ પણ વાંચોઃ ગેમ રમવા સુરત બોલાવી બે વ્યક્તિનું અપહરણ કરી લાખોની લૂંટ, પોલીસે 4ની ધરપકડ કરી
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પાસેથી 11 મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 3.53 લાખ રૂપિયા થવા પામે છે. આ ઉપરાંત વાહન ચોરીના વણ ઉકેલાયેલા 21 ગુનાઓ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢ્યા છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેની સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં 10, વરાછા પોલીસ સ્ટેશનમાં 5, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2, કામરેજ પોલીસ સ્ટેશનમાં 5, પલસાણા પોલીસ સ્ટેશનમાં 2, છોટા ઉદેયપુર, કવાંટ અને પાનવડ પોલીસ સ્ટેશનમાં એક-એક ગુનો નોંધાયો છે.