December 19, 2024

અમદાવાદમાં હત્યા કરે તે પહેલાં જ સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીને ઝડપ્યાં, બે પિસ્તોલ-કારતૂસ જપ્ત

અમિત રુપાપરા, સુરતઃ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને શિવા મહાલિંગમ અને તેના સાગરીતોને પકડવામાં મોટી સફળતા મળી છે. શિવા અને તેના સાગરિતો હત્યાની ઘટનાને અંજામ આપે તે પહેલાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચે બે પિસ્તોલ અને 10 કાર્ટીઝ સાથે શિવા મહાલિંગમ અને તેના 2 સાગરીતોને ઝડપી પાડ્યા છે.

લોકસભાની ચૂંટણીને લઈને સુરત શહેર પોલીસ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગુનાખોરી અટકાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, માન દરવાજાથી શાસ્ત્રીનગર તરફ જતા રોડ પર નેશનલ ગેરેજની સામે એક પાસે પિસ્તોલ છે ત્યારે આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે શાહરૂખ નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. તેની તપાસ કરતાં શાહરુખ પાસેથી બે પિસ્તોલ અને 10 કાર્ટેજ મળી આવ્યા હતા.

શાહરૂખની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસના ધ્યાને આવ્યું હતું કે, આ હથિયાર શિવા મહાલિંગમ અને ફિરોજ ઉર્ફે લંગડાને આપવાનો હતો. ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા શિવા મહાલિંગમ અને ફિરોજ ઉર્ફે લંગડાને પણ ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, શિવા મહાલિંગમ સામે અગાઉ 21થી વધારે હત્યા, ધાડ, લૂંટ જેવા ગુના નોંધાયા છે. મહત્વની વાત છે કે, 2012માં શિવા અને ફિરોજ નિરમા કંપનીના માલિક કરસન પટેલના બંગલા પર પણ ધાડના ગુનાને અંજામ આપવાના હતા. આ ઉપરાંત વડોદરાના કુખ્યાત હઝરૂદ્દીન ઉર્ફે અજજુ કાણીયો જ્યારે જેલમાં હતો ત્યારે તેની હત્યાના ગુનાઓમાં તેમજ 8થી વધારે આર્મ્સ એકટના ગુનાઓ તેમજ ત્રણ હત્યાના ગુનાઓમાં બંને પકડાઈ ગયા છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, શિવાનો ઝઘડો અમદાવાદમાં રતલામ કાફે ચલાવતા મુદ્રસ્તર ખાન, બાબુ મોજાહીદ તેમજ મુશ્કિન સાથે થયો હતો. આ ત્રણમાંથી કોઈ એક મળી જાય ત્યારે તેની હત્યાને અંજામ આ ઈસમો આપવાના હતા અને એટલા માટે હથિયારો લેવા માટે તે સુરત આવ્યા હતા. જો કે, પોલીસે બાતમીના આધારે આ ઈસમો હત્યાની ઘટનાને અંજામ આપે તે પહેલાં જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

તો બીજી તરફ 6 માર્ચ 2024ના રોજ અમદાવાદથી ચાંદીના પાર્સલો લઈને રાજકોટ જઈ રહેલી એક ગાડીને આ ત્રણેય આરોપીઓએ અને અન્ય સાથીદારોએ ભેગા મળીને ઉભી રખાવી હતી. ત્યારબાદ બંદૂક તેમજ અન્ય હથિયારો વડે પાર્સલ લઈ જતા લોકોને ઈજા પહોંચાડી ગાડીમાંથી ચાંદીના અલગ અલગ ચાર પાર્સલો કે જેનું વજન 22 કિલો હતું તેની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત શુદ્ધ ચાંદી 19 કિલો આમ કુલ મળીને 107 કિલો ચાંદી કે જેની કિંમત 68,62,408 રૂપિયા થાય છે તેની લૂંટ કરી હતી અને ત્યારબાદ આ ઈસમો ભાગી ગયા હતા અને આ ગુનામાં ત્રણેય વોન્ટેડ છે.