December 19, 2024

સુરત ક્રાઇમ બ્રાન્ચન મોટી સફળતા, ચોરીને અંજામ આપતી નેલ્લોરની ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેર પોલીસ દ્વારા ભાગતા ફરતા આરોપીને પકડવાની એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ડ્રાઇવ અંતર્ગત અનેક આરોપીને પકડવામાં આવ્યા છે. ત્યારે સુરત તેમજ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં કારના કાચ તોડીને અને મોપેડની ડીકીના લોક તોડીને ચોરીની ઘટનાને અંજામ આપતા આંતરરાજ્ય આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના મુખ્ય સાગરીતને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગનો સાગરીત રોસૈયા ઉર્ફે હનુમૈયા ગોડેટી 63 ગુનામાં વોન્ટેડ છે. તે આંધ્રપ્રદેશના નેલ્લોરના નવાપેટમાં ફરી રહ્યો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જગ્યા પરથી બાતમીના આધારે આરોપી રોસૈયા ગોડેટીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે અલગ અલગ 63 જેટલા ગુનાઓમાં વોન્ટેડ હતો અને તેની સામે ગુજરાતના સુરત ઉપરાંત વડોદરા, વલસાડ, નવસારી અને નર્મદામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયા છે.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી તેના સાગરીતો પ્રકાશ, રાજેશ, દાવીદ, રાજુ, રમેશ અને અપ્પારાવ સાથે રાજ્યના અલગ અલગ શહેરમાં જઈને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેંગના 6 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી રોકડા રૂપિયા 3.30 લાખ, 3 ટુ વ્હીલર બાઈક, બે ગીલોલ અને 7 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા અને તે સમયે રોસૈયા ઉર્ફે હનુમૈયા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. હવે આ આરોપીને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે.

આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, આરોપી irbના ડુપ્લિકેટ આઈકાર્ડ બનાવીને પહેલા ઘર ભાડે મેળવતા હતા. ત્યારબાદ જે તે શહેરમાંથી બાઇકની ખરીદી કરતા હતા. ત્યારબાદ બાઈકની ખરીદી કર્યા પછી શહેરની અલગ અલગ બેંકની સામે પૈસા ઉપાડવા આવતા લોકોની રેકી કરતા હતા. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ મોપેડની ડિક્કીમાં પૈસા નાંખે તો તે મોપેડીનું લોક તોડી પૈસા ચોરી લેતા હતા. જો કોઈ ફોરવ્હિલરમાં પૈસા મૂકે તો ગિલોલ ભલે ફોરવ્હિલરનો કાચ તોડી તેમાંથી પૈસા ભરેલી બેગની ચોરી કરતા હતા.

આ ઉપરાંત કોઈ માણસ કારમાં એકલો હોય ત્યારે કારની આગળ આ ઈસમો 10-10 રૂપિયાની નોટ નાખતા હતા અને કાર માલિકને પૈસા પડી ગયા હોવાનું જણાવી તેનું ધ્યાન ભટકાવી કારમાં રહેલી બેગની ચોરી કરી આ ઇસમો ફરાર થઈ જતા હતા. આ ઉપરાંત કેટલાક લોકો કે જે બેંકમાં પૈસા ઉપાડવા આવ્યા હોય તેમની કારના ટાયરમાં આ લોકો સળિયો ઘુસાડીને પંચર કરી દેતા હતા અને ત્યારબાદ કારચાલકનો પીછો કરી જ્યારે કારમાં પંચર કરાવવા જાય ત્યારે તેની નજર ચૂકવી કારમાંથી પૈસાની બેગ ચોરી ફરાર થઈ જતા હતા.