January 16, 2025

હોર્ન વગાડવા બાબતે થયેલ હત્યામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી 3 આરોપીઓની ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: ડાયમંડ સિટી સુરતમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે ત્રણ ઈસમોએ સાથે મળીને એક યુવકની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઇ વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો. તો બીજી તરફ બાતમીના આધારે આ ત્રણ હત્યારાઓની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. આ ત્રણેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેઓ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવા માટે ટેવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

15 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે જૈનીશ ચૌહાણ નામનો યુવક પોતાના મિત્રો સાથે મોટરસાયકલ પર વરાછાના રામનગરમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે તેની આગળ જતી બે મોટરસાયકલના ચાલકો સર્પાકાર રીતે પોતાનું વાહન ચલાવી રહ્યો હતો. જૈનિશ દ્વારા વાહનનો ઓવરટેક કરવા માટે હોન વગાડવામાં આવ્યો હતો કે સામાન્ય એવી બાબતે જૈનિશની આગળ વાહન ચલાવી રહેલા ઈસમ વિમલ કલસરિયા, ઉત્તમ તળાવીય અને ડેનિસ ઉર્ફે જાડિયો સુરતી રોષે ભરાયા અને જૈનિષ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને જૈનીશને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો.

આ ઘટનામાં એકબીજાને જૈનિશને પાછળના ભાગે અને ગળાના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા અને ત્યારબાદ ત્રણેય ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા. આ ઘટના બાબતે 16 ઓગસ્ટના રોજ સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનું ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે અલગ અલગ ટીમો આરોપીને પકડવા માટે બનાવ્યા હતી. જો કે આરોપી પોલીસ પકડથી બચવા માટે પોતાના વતન ભાગી ગયા હતા. તો બીજી તરફ આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને પણ આરોપી ભાવનગર નારી ચોકડી પાસે હોવાની બાતમી મળી હતી. આ બાબતે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વિમલ કલસરિયા, ઉત્તમ તળાવીયા અને ડેનિસ ઉર્ફે જાડિયા સુરતીને ભાવનગર નારી ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓને મૃતક જૈનિષ સાથે અગાઉ કોઈ બોલાચલી થઈ ન હતી. માત્ર ગાડીનો હોર્ન બગાડવા બાબતે તેને જૈનિષની હત્યા કરી હતી. તો પકડાયેલા આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાય ચૂક્યા છે. તેમાં મુખ્ય આરોપી વિમલ કલસરિયા સામે અમરોલી, વરાછા, વલસાડ, પૂણા, સરથાણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ 7 ગુના દાખલ થયા છે. તો આરોપી ઉત્તમ તળાવીયા સામે પણ સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં બે અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે. તો આરોપી ડેનિષ સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં 7 ગુના નોંધાયેલા છે.