December 19, 2024

પોલીસ જાપ્તમાં આરોપીનું મોત, કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો નોંધવા કોર્ટનો આદેશ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના હેડ હોન્સ્ટેબલ સામે કોર્ટના હુકમ બાદ હત્યાનો ગુનો દાખલ થયો છે. સર્ચ વોરંટ બાદ કોર્ટે ગુનો નોંધવાનો આદેશ કર્યો છે. હત્યાના પ્રયાસના કેસમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય પરમાર અને કોન્સ્ટેબલ પ્રતિક રાઠોડ આરોપી નાગેન્દ્ર ગૌતમને ઉત્તર પ્રદેશથી ટ્રેનમાં સુરત લાવતા હતા. ત્યારે આરોપી ટ્રેનમાંથી કૂદી ગયો હતો અને આરોપીના ભાઈએ પોલીસકર્મી સામે ભાઈનું પોલીસ જાપતામાં મૃત્યુ નીપજાવ્યું હોવાનો આક્ષેપ કરી કોર્ટમાં સર્ચ વોરંટની અરજી કરી હતી. ત્યારે હવે કોર્ટ દ્વારા બંને કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો નોંધવાનો આદેશ કરાતા બંને સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અઢી વર્ષ પહેલાં હત્યાના પ્રયાસના ગુનામાં ભાગતા ફરતા આરોપી નાગેન્દ્ર ગૌતમને હેડ કોન્સ્ટેબલ સંજય પરમાર અને કોન્સ્ટેબલ લક્ષ્મણ રાઠોડ ઉત્તર પ્રદેશથી પકડીને ટ્રેનમાં સુરત લાવતા હતા અને તે સમયે ભુસાવલ પાસે ટ્રેન ધીમી પડતા આરોપી ટોયલેટ જવાનું કહીને પોલીસને ચકમો આપી હથકડી સાથેથી ટ્રેનમાંથી કૂદીને ભાગી ગયો હતો. આ કેસમાં આરોપીના ભાઈ ઓમપ્રકાશ ગૌતમે પોલીસ સામે આક્ષેપ કર્યો હતો કે, પોલીસકર્મીઓ દ્વારા જ નાગેન્દ્ર ગૌતમને પકડીને ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની લાશ સગેવગે કરવામાં આવી હતી. આ બાબતે ઓમ પ્રકાશ ગૌતમે 2022માં કોર્ટમાં સર્ચ વોરંટ અરજી કરી હતી.

આ પણ વાંચોઃ મોરિયા કોલેજના 150 વિદ્યાર્થીઓ હડતાલ પર, મેનેજમેન્ટ પર માર મારવાનો આક્ષેપ

ત્યારબાદ હવે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે, પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજય પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ પ્રતિક રાઠોડ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે. હાલ આ કેસમાં પોલીસે જ ફરિયાદી બનીને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય પરમાર અને પાંડેસરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પ્રતીક લક્ષ્મણ રાઠોડ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

મહત્વની વાત છે કે, વર્ષ 2011માં નાગેન્દ્ર ગૌતમ દ્વારા જયપ્રકાશના બે બાળકોને ત્રીજા માળના ટેરેસ પરથી ફેંકી દેવામાં આવ્યા હતા. જેમાં 13 અને 11 વર્ષના બંને બાળકોને ગંભીર ઇજા થતા જયપ્રકાશ દ્વારા જ પોલીસ સ્ટેશનમાં નાગેન્દ્ર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ આ ગુનામાં ભાગતા ફરતા નાગેન્દ્રને પકડવાના પ્રયાસો કરતી હતી. ત્યારે બાતમીના આધારે આરોપીને પોલીસે યુપીથી પકડી પાડ્યો હતો. પરંતુ સુરત લાવતા સમયે આરોપી પોલીસને ચકમો આપી ભુંસાવલ સ્ટેશન પાસેથી ટોયલેટ જવાનું બહાનું કરીને હદ કરી સાથેથી ટ્રેનમાંથી કૂદીને ભાગી ગયો હતો.

ત્યારબાદ આરોપીનો કોઈ અતોપતો ન લાગતા તેના ભાઈ દ્વારા પોલીસ જાપ્તામાં ભાઈનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરી કોર્ટમાં અરજી કરી હતી અને હવે કોર્ટના આદેશ બાદ પોલીસે કોન્સેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો દાખલ થયો છે.