September 29, 2024

કોંગ્રેસની ફરિયાદ બાદ જાગી SMC, ભાજપના નેતાની શાળાના ત્રણ માળ સીલ કરાયા

અમિત રૂપાપરા, સુરત: રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સુરત મહાનગર પાલિકા દ્વારા અનેક બિલ્ડીંગો શાળા ટેક્સટાઇલ માર્કેટ અને દુકાનો કે જે ફાયર NOC અને BU પરમિશન વગર ચાલતી હતી તેને સીલ કરવામાં આવી હતી. પરંતુ સુરતમાં ભારતીય જનતા પાર્ટીના જ શિક્ષણ સમિતિ સભ્ય અનુરાગ કોઠારીની શાળા સામે કાર્યવાહી થઈ ન હતી. ત્યારે કોંગ્રેસના નેતાની ફરિયાદના આધારે હવે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યુ અને પ્રાથમિક શિક્ષણ સમિતિના ભાજપના સભ્ય અનુરાગ કોઠારીની અરિહંત એકેડમીના શાળામાં ગેરકાયદેસર બનાવવામાં આવેલા ત્રીજા અને ચોથા માળને સીલ કરવામાં આવ્યો. જો કે અગાઉ આ બાંધકામનું ડીમોલેશન કરી પાલિકાએ વહીવટી ચાર્જ વસૂલ્યો હતો પરંતુ હવે માત્ર બે માળને સીલ કરીને પાલિકાએ કામગીરી બતાવી છે. ત્યારે પાલિકાના અધિકારીઓની આ કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

સામાન્ય નાગરિક જો નાનું અમસ્તું ગેરકાયદેસર બાંધકામ કરતો હોય તો પાલિકા અધિકારીઓ હથોડા લઈ ડિમોલિશન કરવા માટે પહોંચી જતા હોય છે પરંતુ જો સત્તા પક્ષતા લોકો આ બાંધકામ કરે તો અધિકારીઓ આવા બાંધકામ સામે આંખ આડા કાન કરે છે. જેનો ઉત્તમ નમૂનો સુરતના ગોડાદરા વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યાં ભાજપના નેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારી દ્વારા પોતાની અરીહંત એકેડમી સ્કૂલના ત્રીજા અને ચોથા માળનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવા છતાં પાલિકા અધિકારીઓએ આ ગેરકાયદેસર બાંધકામ સામે આંખ આડા કાન કર્યા હતા.

શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાળા દ્વારા ઇન્ચાર્જ પાલિકા કમિશનર અને કલેક્ટરને કરાયેલી લેખિત ફરિયાદ બાદ મોડે મોડે જાગેલ પાલિકાએ અંતે બતાવવા પૂરતી કામગીરી શરૂ કરી છે. પાલિકાએ ભાજપ નેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની અરિહંત એકેડમી શાળાના ત્રીજા અને ચોથા માળને સીલ કર્યું છે. જોકે શાળાના ડિમોલિશન કરવાના બદલે પાલિકા અધિકારીઓએ 1.15 લાખનો વહીવટી ખર્ચ વસૂલ કરી અને નોટિસ પાઠવી સંતોષ માણી લીધો છે.

મહત્વનું છે કે અગાઉ પણ બે વખત ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નોટિસ પાઠવવામાં આવી છે. જ્યાં હાલ હવે પછી ગેરકાયદેસર બાંધકામ નહીં કરવામાં આવે તે પ્રકારની બાહેધરી પાલિકાએ શાળાના ટ્રસ્ટી અનુરાગ કોઠારી પાસે લીધી છે. પરંતુ સવાલ અહીં એ ઊભા થાય છે કે શું સત્તાપક્ષ છે તો બિન્દાસ અને ગેરકાયદેસર બાંધકામ કરી નીતિ નિયમોને નેવે મુકવાની પરવાનગી મળી ગઈ છે ? જો સામાન્ય નાગરિકો દ્વારા કરવામાં આવતા બાંધકામ સામે ડીમોલિશનના હથોડા જીકાવી શકતા હોય તો પછી સત્તા પક્ષના નેતા દ્વારા કરવામાં આવેલ આ ગેરકાયદેસર બાંધકામ સામે શા માટે કાર્યવાહી નહીં તેવા સવાલો હાલ ઉપસ્થિત થઈ રહ્યા છે.

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બની હોવા છતાં લીંબાયત ઝોન વિસ્તારમાં આવેલી ભાજપ નેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની અરિહંત એકેડમી શાળાના ત્રીજા અને ચોથા માળનું બાંધકામ કરવામાં આવ્યું. છતાં પાલિકાના અધિકારીઓએ મુક- પ્રેેક્ષકની ભૂમિકામાં રહયા. અગાઉ બે વખત આ શાળાનું બાંધકામ નું ડિમોલિશન કરી વહીવટી ચાર્જ પણ પાલિકા દ્વારા વસૂલ કરવામાં આવ્યો. છતાં પણ અનુરાગ કોઠારીએ સત્તાનો દુરુપયોગ કરી નીતિ નિયમોને નેવી મૂકી શાળાના ત્રીજા અને ચોથા માળનું ગેરકાયદેસર બાંધકામ કર્યું. પાલિકા કમિશનરના આદેશ બાદ શાળાને હાલ સીલ કરવામાં આવી છે. પરંતુ સીલ માત્ર નહીં શાળાના ત્રીજા અને ચોથા માળનું ગેરકાયદેસર બાંધકામનું ડિમોલીશન કરી આવા નેતાઓની શાન ઠેકાણે લાવી વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી કાર્યવાહી પણ અધિકારીઓએ કરવી જોઈએ.