January 28, 2025

સુરતમાં આગ લાગવાની ઘટના, સ્પા સલુનના માલિકની કરાઈ અટકાયત

Surat: સુરતના સીટીલાઇટ વિસ્તારમાં આવેલ સનસિટી જિમ અને મસાજ પાર્લરમાં આગ લાગતા મસાજ પાર્લરમાં કામ કરતી બે યુવતીઓના મોત થયા છે. આગ પર કાબુ મેળવવા 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. શોર્ટ સર્કિટના કારણે જીમમાં લાગેલી આગ થોડીકવારમાં જ ફેલાઈ ગઈ હતી. જોકે, આ ઘટના સમયે આગથી બચવા બાથરૂમમાં ઘુસેલી બે યુવતીના મોત થયા હતા.

મળતી માહિતી અનુસાર સુરતમાં આગની ઘટના સમયે બે યુવતી અને વોચમેન ભાગી ગયા હતા. જોકે, આ ઘટનાને લઈ સ્પા સલુનના માલિક અરમાનની અટકાયત કરાઈ છે. તમને જણાવી દઈએ કે સિક્કિમની રહેવાસી બીનું હંગમાં લીંબુ અને મનીષા દમાઈ નામની યુવતીઓના મોત નીપજ્યા છે. નોંધનીય છે કે જીમમાં પાર્ટીશન ઉભુ કરીને સ્પા માટે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું. જીમની અંદર ગેરકાયદેસર રીતે અમૃતયા સ્પા એન્ડ સલૂન બનાવવામાં આવ્યું હતું. હવે પાલિકા દ્વારા તપાસ કરવામાં આવશે કે આ પાર્ટીશન કાયદેસર હતું કે ગેરકાયદેસર. વધુમાં બિલ્ડીંગનું બાંધકામ પણ એ પ્રકારનું છે કે હવાની અવર જવર થઈ શકે નહીં.

આ પણ વાંચો: બાબા સિદ્દીકીની હત્યાને લઈને ઓવૈસીનું મોટું નિવેદન, લોરેન્સ બિશ્નોઈનું નામ લીધા વગર PM મોદી પાસે માગ્યો જવાબ

ઉલ્લેખનીય છે કે મોડી રાતે સુરતના સીટીલાઈટ વિસ્તારમાં જીમ અને સ્પામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેને લઈને દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં બે યુવતીઓના મોત નીપજ્યા છે.