January 7, 2025

સુરત પોલીસે નકલી ડોક્ટર શોભીતસિંહ ઠાકોરની કરી ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેર પોલીસના હાથે 1 કરોડ 4 લાખના ડ્રગ્સના કેસમાં ઝડપાયેલ આરોપીએ જામીન માટે હાઇકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. હાઇકોર્ટ દ્વારા આ બાબતે પોલીસને તપાસના આદેશ આપતા. આ મેડિકલ સર્ટિફિકેટ ખોટું હોવાનું સામે આવ્યું અને જે ડોક્ટર દ્વારા આ સર્ટિફિકેટ બનાવ્યું છે તે ડોક્ટર પણ બોગસ હોવાનું સામે આવતા પોલીસે આ નકલી ડોક્ટર શોભીતસિંહ ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2020માં 1 કરોડ 4 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ગુનામાં એક પછી એક એમ 19 આરોપીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં સપ્ટેમ્બર 2020 થી આરોપી આદિલ નૂરાની સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં અને પોતાની જામીન અરજી હાઇકોર્ટમાં કરી હતી. જામીન અરજીની સાથે આદિલ નૂરાનીએ પોતાની માતા મુનિરા નૂરાનીની તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું અને પુરાવા તરીકે મેડિકલ સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું.

જામીન અરજી કરી
આરોપી આદિલે પોતાની માતા મુનિરા નૂરાનીને એનજીઓગ્રાફી કરાવવાની હોવાનું કારણ હાઇકોર્ટ સમક્ષ દર્શાવ્યું હતું અને આ કારણ દર્શાવીને પોતે જામીન અરજી કરી હતી. હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર મામલે આદિલની જામીન અરજીને લઇ સુરત પોલીસને તપાસ કરવા જણાવ્યું હતું અને આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરી દેનાર ડોક્ટર શોભીતસિંગ ઠાકોરની પૂછપરછ કરવામાં આવી હતી અને તેને આ સર્ટીફીકેટમાં ડોક્ટર દિલીપ તડવીની સહી અને સિક્કો પણ લગાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

ડોક્ટરની કડકાઈથી પૂછપરછ
ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડોક્ટર દિલીપ તડવીની પૂછપરછ કરતા તેને આ પ્રકારનું કોઈ સર્ટિફિકેટ ન બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટર દિલીપની પૂછપરછ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોભિતસિંગ ઠાકુર નામના ડોક્ટરની કડકાઈથી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે શોભીતસિંગ ઠાકુર પાસે કોઈ પણ પ્રકારનું લાઇસન્સ નથી અને પોતે ડોક્ટરની ડિગ્રી પણ ધરાવતો નથી. ડોક્ટર ન હોવા છતાં પણ તે ગેરકાયદેસર રીતે સુરતના પાંડેસરા વિસ્તારમાં ક્રિષ્ના જનરલ એન્ડ્રોમા હોસ્પિટલ નામથી એક હોસ્પિટલ ચલાવી રહ્યો છે.

આ પણ વાંચો: વિદ્યાર્થીના પિતાએ શિક્ષિકા સાથે દુષ્કર્મ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, પોલીસે દબોચી લીધો

શોભીત ઠાકુરની ધરપકડ કરવામાં આવી
તેને જ ડોક્ટર દિલીપ તડવીની જાણ બહાર તેના હોદ્દાના સહી સિક્કા કરેલું મેડિકલ સર્ટિફિકેટ મુનીરા નૂરાનીને આપ્યું હતું અને આ મેડિકલ સર્ટિફિકેટમાં મુનીરાને અરજન્ટ એનજીઓગ્રાફી તેમજ એનજીઓપ્લાસ્ટિ કરાવવાનું હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી ડોક્ટર શોભીત ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે અને તેને અત્યાર સુધીમાં આવા કેટલા લોકોને બોગસ સર્ટિફિકેટ બનાવી આપ્યા છે અને કેટલા સમયથી તે ડિગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે તે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.