સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે બુટલેગર ફિરોજ ફ્રુટવાલાના ગેરકાયદે બાંધકામ બુલડોઝર ફેરવ્યું

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેર પોલીસ દ્વારા બુટલેગરો તેમજ અસામાજિક તત્વો સામે કાયદાનો સકંજો કસવામાં આવી રહ્યો છે અને આવા તત્વો દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હોય તો તેના પર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફિરોજ ઉર્ફે ફિરોજ ફ્રુટવાલા દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ પર પાલિકાની ટીમ સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. તેવામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યના 15 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી હતી અને આ 15 બુટલેગરમાં સુરતના ત્રણ બુટલેગર નામ સામેલ હતા. ત્યારે આજે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખી સુરતના ત્રણ બુટલેગરોમાંના એક ફિરોજ ઉર્ફે ફિરોજ ફ્રુટવાલાને ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બુટલેગર ફિરોજ સામે 49 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને મહત્વની વાત એ છે કે, પોલીસ દ્વારા આ ફિરોજ સામે એક બે નહીં પરંતુ 12 વખત પાસા હેઠળ કાર્યવાહી પણ કરી છે. સુરત પોલીસ દ્વારા આ ફિરોજના ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ બોલાવવામાં આવી હતી અને સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિતના અધિકારીઓના કાફલા સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ રોજના સબારી એપાર્ટમેન્ટ પાસે પહોંચી હતી અને એપાર્ટમેન્ટનો ગેરકાયદેસર કેટલો ભાગ ડિમોલિશન કરવામાં આવ્યો હતો.

મહત્ત્વનું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે 15 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં સુરતના ત્રણ બુટલેગરો સામેલ હતા જેમાં ફિરોજ ઉપરાંત મુન્ના લંગડા અને સલીમ ફ્રુટવાળાનો સમાવેશ થાય છે. ત્યારે હાલ પોલીસે ફિરોજ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામને દૂર કરી છે અને આગામી દિવસોમાં અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અસામાજિક તત્વોના બાંધકામો પર પણ તવાઈ પોલીસ અને પાલિકા દ્વારા બોલાવવામાં આવશે.