December 19, 2024

સુરતના ચોક બજારમાં ઘરમાં ઘુસીને યુવાનની હત્યા, ત્રણેય આરોપી ફરાર

સુરતઃ શહેરમાં ચોક બજાર વિસ્તારમાં થયેલી હત્યા મામલે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં હત્યારો હથિયાર કાઢતા નજરે પડી રહ્યો છે. સીસીટીવીમાં કુલ 4 યુવક દેખાય છે. તેમાંથી 3 હત્યારા છે અને ચોથો મૃતક છે.

મળતી માહિતી મુજબ, શુભમ વાટુકિયા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. ત્રણ જેટલા ઈસમોએ ઘરમાં ઘૂસીને યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી છે. શુભમ છેલ્લાં એક વર્ષથી પારસ સોસાયટીમાં એકલો રહેતો હતો. મૃતક શુભમ વાટુકિયા ચોરીનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલ પોલીસે કયા કારણોસર હત્યા કરવામાં આવી તે અંગે તપાસ હાથ ધરી છે. જ્યારે હત્યારાઓ હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.